Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કરાંચીમાં જય શ્રી રામના નારા સાથે અલ્પસંખ્યકોનું પ્રદર્શન

પાકિસ્તાનમાં મંદિર તોડવાની ઘટના બાદ આક્રોશ : પ્રદર્શનમાં હિંદુ સમુદાય ઉપરાંત શીખ, પારસી, ઈસાઈ અને અન્ય લોકો પણ જોડાયા, ભગવો ઝંડો લહેરાવાયો

નવી દિલ્હી, તા.૯ : પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં તાજેતરમાં બનેલી મંદિરમાં તોડફોડની ઘટના બાદ ત્યાં વસતા હિંદુ સમાજના લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. પાકિસ્તાનના કરાચીમાં રહેતા અલ્પસંખ્યકોએ સતત થઈ રહેલા અત્યાચારો વિરૂદ્ધ રવિવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કરાચીમાં જોરશોરથી 'જય શ્રી રામ' અને 'હર હર મહાદેવ'ના નારા બોલાવવામાં આવ્યા હતા.

રવિવારે કરાચીની પ્રેસ ક્લબ બહાર થયેલા વિરોધ પ્રદર્શનમાં અલ્પસંખ્યક સમુદાયના લોકો સામેલ થયા હતા. તેમાં હિંદુ સમુદાય ઉપરાંત શીખ, પારસી, ઈસાઈ અને અન્ય લોકો પણ જોડાયા હતા. તેમણે તાજેતરમાં બનેલી મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી હતી અને અલ્પસંખ્યકો વિરૂદ્ધ થઈ રહેલા અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ 'જય શ્રી રામ' અને 'હર હર મહાદેવ'ના નારા પણ લગાવ્યા હતા. તેમણે ભગવો ઝંડો લહેરાવવા ઉપરાંત 'વી વોન્ટ જસ્ટિસ' લખેલા બેનર પણ ફરકાવ્યા હતા.

કરાચીના પ્રસિદ્ધ પ્રાચીન હનુમાન મંદિરના મુખ્ય પુજારી રામનાથ મિશ્ર મહારાજ પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે ગુંડાઓ દ્વારા ગણેશ મંદિરમાં તોડફોડ કરવામાં આવી તેની નિંદા કરી હતી. વધુમાં જણાવ્યું કે, જેમ ઈસ્લામ ધર્મ વિરૂદ્ધ ખોટું કરનારાઓને સજા-એ-મોત અથવા ઉંમર કેદ મળે છે તેવી જ રીતે અમારા ધર્મને નુકસાન પહોંચાડનારાને પણ સજા મળવી જોઈએ. પાકિસ્તાનમાં હાલ હિંદુઓ વિરૂદ્ધ આતંક વધી ગયો છે. રામનાથ મિશ્ર મહારાજે જણાવ્યું કે, અમારા હિંદુ ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે. શાળાના પુસ્તકોમાં હિંદુ ધર્મને જેવો બતાવવામાં આવ્યો છે તે આપત્તિજનક છે. સરકાર આ પ્રકારની ઘટનાઓ પર એક્શન લે તેવી વિનંતી.  કરાચીના મુફ્તી ફૈસલ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે જણાવ્યું કે, હું ઈસ્લામ સાથે સંબંધ ધરાવું છું પરંતુ સમુદાયો વચ્ચે નફરત ફેલાય તેવી વાતો ન બનવી જોઈએ. આજે પણ હિંદુસ્તાનમાં મુસ્લિમ અલ્પસંખ્યક છે અને તેઓ સૌ અમન સાથે રહે છે. અમારા ઘણાં સંબંધીઓ ભારતના વિવિધ ક્ષેત્રોમાં છે અને તેઓ ખૂબ ખુશ છે.

(12:00 am IST)