Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રેપો રેટ વધ્યાના ૨૪ કલાકમાં ૭ બેંકે વ્યાજ દર વધારી દીધા

રિઝર્વ બેંકે રેપો રેટ વધારતા બેંકોએ વ્યાજ દર વધાર્યા : ખાનગી અને સરકારી બેંકોએ પણ તેના વ્યાજ દરોમાં વધારો કરી દેતા હવે ગ્રાહકો ઉપર બોજો વધશે

નવી દિલ્હી, તા.૧૦ : બેકાબૂ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંક રેપો રેટ વધારવાના રસ્તા પર પાછી ફરી છે. સૌથી પહેલા તો રિઝર્વ બેંકે મે મહિનામાં રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કર્યો હતો. તે પછી જૂનમાં યોજાયેલી એમપીસીમીટિંગ (આરબીઆઈ એમપીસીમીટ જૂન ૨૦૨૨) પછી કેન્દ્રીય બેંકે ફરીથી રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો. આ રીતે મે-જૂનમાં રેપો રેટ ૦.૯૦ ટકા વધીને ૪.૯૦ ટકા થયો છે. રેપો રેટમાં નવીનતમ વધારો આ અઠવાડિયે બુધવારે થયો હતો. તેની અસર લોન લેનારા લોકોને પડી રહી છે. રિઝર્વ બેંકની જાહેરાત બાદ માત્ર ૨૪ કલાકમાં ૭ બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી.

બેંકર ઓફ બરોડાઃ બેંક ઓફ બરોડાએ બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટને વધારવાની જાહેરાત કરી. બેંકે જણાવ્યું છે કે હવે તે દર વધીને ૭.૪૦ ટકા થઈ ગયો. તેમાં ૪.૯૦ ટકા ભાગ આરબીઆઈના રેપોરેટનો છે. તેના સિવાય બેંકે ૨.૫૦ ટકા માર્ક અપ જોડ્યો છે. બેંક ઓફ બરોડાએ ગુરુવારે જણાવ્યું છે કે નવા દર ૦૯ જૂનથી લાગૂ થઈ ગયા છે.

પંજાબ નેશનલ બેંકઃ પંજાબ નેશન બેંકે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ વધાર્યો છે. બીજી સૌથી મોટી સરકારી બેંકે જણાવ્યું છે કે હવે અમે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટને વધારીને ૭.૪૦ ટકા કરી દીધો છે. પીએનબીના વધેલા વ્યાજદરો પણ ૦૯ જૂનથી પ્રભાવી બન્યા છે.

આઈસીઆઈસીઆઈબેંકઃ રિઝર્વ બેંકની જાહેરાત બાદ ખાનગી ક્ષેત્રની આ બીજી સૌથી મોટી બેંક ગ્રાહકો પર વધારાના દરનો બોજ નાખવામાં આગળ રહી છે. આઈસીઆઈસીઆઈબેક્ને ગુરુવારે બેન્ચમાર્ક ધિરાણ દર ૦.૫૦ ટકા વધારીને ૮.૬૦ ટકા કર્યો છે. આઈસીઆઈસીઆઈબેંકની વેબસાઈટ પર એક નોટિફિકેશનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, એક્સટર્નલ બેન્ચમાર્ક

લેન્ડિંગ રેટ (ઈબીએલઆર)ના વધેલા દર ૮ જૂનથી લાગુ થઈ ગયા છે. આ સાથે બેંકે એમસીએલઆરમાં પણ વધારો કર્યો છે. એમસીએલઆરના વધેલા દરો ૦૧ જૂનથી અમલી બન્યા છે. બેંકે કહ્યું કે રાતોરાત એક મહિના અને ત્રણ મહિના માટે એમસીએલઆરહવે અનુક્રમે ૭.૩૦ ટકા અને ૭.૩૫ ટકા છે. એ જ રીતે, સુધારેલ એમસીએલઆરછ મહિના માટે ૭.૫૦ ટકા અને આખા વર્ષ માટે ૭.૫૫ ટકા છે.

ઈન્ડિયન ઓવરસિસ બેંક : ઈન્ડિયન ઓવરસીઝ બેંકે પણ એક રેગુલેટરી ફાઈલિંગમાં વ્યાજ દર વધવાની જાણકારી આપી છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકે જણાવ્યું છે કે, અમે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટને વધારીને ૭.૭૫ ટકા કરવાનો નિર્ણય લીધો છે. તેમાં ૪.૯૦ ટકા રેપો રેટ અને ૨.૮૫ ટકા માર્જિનનો સમાવેશ થાય છે. બેંકે જણાવ્યું છે કે વધેલા વ્યાજદરો ૧૦ જૂનથી લાગૂ થશે.

એચડીએફસીબેંક : દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંકે હાઉસિંગ લોનથી લઈને કાર લોન અને પર્સનલ લોન સુધીના વ્યાજ દર વધાર્યા છે. જોકે, આ બેંકે આરબીઆઈની જાહેરાત પહેલા વ્યાજ દર વધારી દીધા હતા. બેંકે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટને ૦.૫૦ ટકા વધારીને ૭.૪૦ ટકા કરી દીધો છે. તેના સિવાય અન્ય લોન, જે આરએલએલઆરપર બેસ્ડ નથી, તેના વ્યાજ દરો ૦.૩૫ ટકા વધારવામાં આવ્યો છે.

બેંક ઓફ ઈન્ડિયા : બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દર વધવાની જાણકારી પોતાની વેબસાઈટ પર આપી છે. બેંક ઓફ બરોડાએ જણાવ્યું છે કે, અમે  રેપો લિંક્ડ લેન્ડિંગ રેટને વધારીને હવે ૭.૭૫ ટકા કરી દીધો છે. બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, અમે રિઝર્વ બેંકનો રેપો રેટ વધારીને ૪.૯૦ ટકા કર્યા બાદ વ્યાજ દરોને વધારવાનો નિર્ણય લીધો છે.

એચડીએફસીલિમિટેડ : એચડીએફસી લિમિટેડ દેશની સૌથી મોટી હાઇસિંગ ફાઇનાન્સ કંપની છે. એચડીએફસી લિમિટેડે જણાવ્યું છે કે અમે હાઉસિંગ લોનના બેંચમાર્ક રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટને વધારી દીધો છે. એચડીએફસી લિમિટેડના એડજસ્ટેબલ રેટ હોમ લોન આજ રેટ પર બેસ્ટ હોય છે. કંપનીએ આ રેટને ૦.૫૦ ટકા વધાર્યો છે. કંપનીએ બીએસઈને જણાવ્યું છે કે વધેલા રેટ ૧૦ જૂનાથી લાગૂ થઈ જશે.

(7:55 pm IST)