Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ભારતથી આકાશ મિસાઈલ સિસ્ટમ ખરીદવા વિયેતનામની વિચારણા

ચીન સાથે બાથ ભિડવા વિયેતનામ સજ્જ બની રહ્યું છે : ચીનના પાડોશી દેશને ભારત પોતાના હથિયારોથી સુસજ્જ કરવા માટેની યોજના પર હવે આગળ વધી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૦ :ચીન સાથે બાથ ભીડનારા વિયેતનામે ભારત પાસેથી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ખરીદી છે અને હવે ભારતની આકાશ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે પણ વિયેતનામ વિચારણા કરી રહ્યુ છે.

આમ ચીનના પાડોશી દેશને ભારત પોતાના હથિયારોથી સજ્જ કરવાની યોજના પર આગળ વધી રહ્યુ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિયેતનામ પ્રવાસે છે ત્યારે વિયેતનામને આકાશ મિસાઈલ માટે ભારત ઓફર આપી શકે છે.

તેનાથી ભારતના ઘર આંગણે હથિયાર ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તેમજ વિયેતનામ અને ભારત વચ્ચેની દોસ્તી વધારે મજબૂત બનશે.ચીનની સામે વિયેતનામની ક્ષમતા પણ વધશે.

જોકે આ ડીલ અંગે બંને દેશો તરફથી કોઈ સમર્થન આપવામાં આવ્યુ નથી.ભારતની મિસાઈલ સિસ્ટમ આકાશ ઓછા અંતર સુધી આકાશમાં પ્રહાર કરવા  માટે સક્ષમ છે.તેની રેન્જ ૨૫ કિમીની છે અને તે એક સાથે ઘણા ટાર્ગેટ પર પ્રહાર કરી શકે છે. ભારતીય વાયુસેના અને સેનામાં આ સિસ્ટમ ૨૦૧૫તી સામેલ છે.આકાશ સિસ્ટમ રશિયન સિસ્ટમ કુબ પર આધારિત છે.૨૦૧૭થી ભારત અને વિયેતનામ વચ્ચે આ સિસ્ટમ માટે વાટાઘાટો ચાલી રહી છે. હવે આકાશ સિસ્ટમના નવા વર્ઝન આકાશ એનજી માટે વિયેતનામે રસ બતાવ્યો છે. વિયેતનામે તો આ સિસ્ટમની ટેકનોલોજી પણ ભારત શેર કરે તેવો આગ્રહ રાખ્યો છે. આકાશના નવા વર્ઝનની રેન્જ ૭૦ થી ૮૦ કિમીની છે.

જો આ ડીલ ફાઈનલ થઈ તો આકાશનુ અપડેટ વર્ઝન ખરીદનાર વિયેતનામ પહેલો દેશ હતો. જોકે તેનુ ઉત્પાદન ૨૦૨૩થી શરૃ થવાનુ હોવાથી વિયેતનામને તેની નિકાસ કરવામાં ૨૦૨૫ સુધીનો સમય લાગી શકે છે.

(7:48 pm IST)