Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાંચીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન : ભારે પથ્થરમારો :વાહનોને આગચંપી અને તોડફોડ કરાઈ : કર્ફ્યુ લદાયો : SSP ઘાયલ

પથ્થરમારો અને લાઠીચાર્જમાં 2 ડઝનથી વધુ લોકો ઘાયલ : મેઈન રોડ, કરબલા ચોક અને દોરાંડા પર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોને બોલાવાયા

રાંચી : સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મુહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં શુક્રવારે રાંચીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાહનોને આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિને જોતા રાંચીના શહેરી વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પથ્થરમારો અને લાઠીચાર્જમાં 2 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. બેકાબૂ ભીડને કાબૂમાં લેવા આવેલા રાંચીના SSP સુરેન્દ્ર કુમાર ઝા પણ પથ્થરમારામાં ઘાયલ થયા છે, તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે નુપુર શર્માના નિવેદનનો વિરોધ કરીને લોકો શુક્રવારની નમાજ પછી બેકાબૂ બની ગયા હતા. તેમને રોકવા માટે પોલીસે અનેક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. આંદોલનકારીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સતત વિક્ષેપને કાબૂમાં લેવાના પ્રયાસો નિષ્ફળ જતાં જિલ્લા પ્રશાસને કર્ફ્યુ લાદી દીધો હતો. શહેરમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. મેઈન રોડ, કરબલા ચોક અને દોરાંડા પર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોને બોલાવવામાં આવ્યા છે.

રાંચીના ડીઆઈજી અનીશ ગુપ્તાએ કહ્યું કે, પરિસ્થિતિ થોડી તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. અમે અમારી તરફથી તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. અહીંથી ટોળું વિખેરાઈ ગયું છે

(7:05 pm IST)