Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રીંછ ગણતરી કરાશે :સાબરકાંઠાનું પોળો ફોરેસ્ટમાં આગામી તા.13થી 15 જૂન બંધ રાખવાનો નિર્ણય

આ આદેશના ભંગ કરનાર સામે સબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતાં સાબરકાંઠાના પ્રખ્યાત પ્રવાસન પોળો ફોરેસ્ટ પર આદેશ જારી કરી એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી રીંછ ગણતરી કાર્યક્રમના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આગામી 13 જૂનથી 15 જૂન સુધી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. પોળો ફોરેસ્ટ નજીકના સ્થાનિક લોકો સિવાય બહારના તમામ લોકો અવરજવર કરી શકશે નહી. અને આ આદેશના ભંગ કરનાર સામે સબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 
મહત્વનું છે કે, દર 6 વર્ષે રાજ્યવ્યાપી રીંછની ગણતરી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરાશે આ કારણે જ પોળો ફોરેસ્ટમાં એન્ટ્રી પર જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી પોળો ફોરેસ્ટ 13 જૂનથી 15 જૂન સુધી પ્રવાસીઓ માંટે બંધ રાખવામાં આવશે. અત્રે નોંધનિય છે કે પોળો ફોરેસ્ટમાં ચોમાસાની સીઝનમાં ફોરેસ્ટનો મનમોહક નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે. 

(11:20 pm IST)