Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

લિબિયાનાં બેન્ગાઝી માં આવેલા મસ્જિદમાં બે બોંબ વિસ્ફોટ થતા મસ્‍જિદ કાટમાળમાં ફેરવાઈ

મસ્જિદમાં લોકો નમાઝ પઢી રહ્યાં હતાં ત્યારે બે વિસ્ફોટ : 1 નું મોતઃ 129 લોકોને ગંભીર ઈજા

લિબિયા: લિબિયા ખાતેની મસ્‍જિદમાં નમાઝ પઢી રહેલાને નિશાન બનાવી વધુ અેક હુમલો થયાનું જાણવા મળેલ છે.

મળતી વિગત મુજબ  બેન્ગાઝી શહેરની મસ્જિદમાં લોકો શુક્રવારની નમાઝ પઢી રહ્યાં હતાં ત્યારે થયેલા બે વિસ્ફોટે 1 વ્યક્તિનો ભોગ લીધો હતો અને 129 લોકોને ઈજા પહોંચાડી હતી. બેન્ગાઝી તે ટ્રિપોલીથી 620 માઇલના અંતરે આવેલું દેશનું બીજા ક્રમનું શહેર છે.

બે શક્તિશાળી વિસ્ફોટ થતાં મસ્જિદમાં કાટમાળ વેરવખેર થઈ ગયો હતો. બારીઓ તૂટી ગઈ હતી અને ભોંયતળિયે અને દીવાલો પર લોહીના છાંટા ઊડયા હતા. સુરક્ષાદળોએ જણાવ્યું હતું કે એક બોંબ મસ્જિદની પરસાળમાં પડેલાં કોફિનમાં અને બીજો મસ્જિદનાં પ્રવેશદ્વારે ઊભા કરવામાં આવેલાં જૂતા મૂકવાનાં ખાનામાં છુપાવાયો હતો. વહીવટી તંત્રના અધિકારીએ જણાવ્યા મુજબ બેવડા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 129ને ઈજા પહોંચી હતી.

અગાઉ 24 જાન્યુઆરીના રોજ બેન્ગાઝી ખાતે મસ્જિદની બહાર થયેલા બે કારબોંબ વિસ્ફોટે 40 લોકોનો ભોગ લીધો હતો.

હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નહોતી. ખલિફા હફ્તારનાં દળો બેન્ગાઝી વિસ્તારનું નિયંત્રણ કરી રહ્યાં છે. બોંબવિસ્ફોટને પગલે શહેરમાં અંધાધૂંધી ફેલાઈ હતી.

હફ્તાર ટ્રિપોલી ખાતેની સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકારનો વિરોધ કરી રહ્યો છે, ટ્રિપોલી સરકાર ગયા વર્ષે જુલાઈમાં બેન્ગાઝી વિસ્તાર જેહાદીઓથી મુક્ત થયો હોવાની જાહેરાત કરી ચૂકી છે પરંતુ હિંસક ઘટનાઓ હજી બન્યા કરે છે.

લિબિયા ખાતેનાં સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયે બોંબવિસ્ફોટોની ક્રૂર ઘટનાઓને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે બોંબવિસ્ફોટોમાં નાગરિકોનાં થઈ રહેલાં મૃત્યુ ચિંતાજનક છે.

 

(12:18 am IST)