Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રાજસ્થાનમાં મળી આવ્યો અબજો રૂપિયાનો સોનાનો ભંડાર

૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર હોવાનો ખુલાસો

જયપુર તા. ૧૦ : ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે કરેલા દાવા મુજબ રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર જિલ્લામાં છૂપાયેલા ૧૧.૪૮ કરોડ ટન સોનાના ભંડારનો પતો લાગી ગ્યો છે. જયપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગના ડિરેકટર જનરલ એન. કુટુંબા રાવે મળેલા ખજાના અંગે માહિતી આપી હતી.

રાજસ્થાનમાં સોનાની શોધખોળની નવી સંભાવનાઓ સામે આવી છે. ઉદયપુર અને બાંસવાડા જિલ્લા સ્થિત ભૂકિયા ડગોચામાં સોનાના ભંડાર મળી આવ્યા હોવાની માહિતી મળી છે.

રાવ મુજબ ૨૦૧૦થી અત્યાર સુધી રાજસ્થાનમાં ૮.૧૧ કરોડ ટન તાંબાના ભંડારનો પતો લાગ્યો છે. આમાં તાંબાનું સરેરાશ સ્તર ૦.૩૮ ટકા છે. રાજસ્થાનના સિરોહી, સાલિયોં અને બાડમેર જિલ્લામાં અન્ય ખનિજની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

રાવે જણાવ્યા મુજબ રાજસ્થાન સ્થિત રાજપુરા દરીબા ખનિજ પટ્ટીમાં ૩૫.૬૫ કરોડ ટન સીસું-જસત મળી આવ્યું છે. ઉપરાંત ભીલવાડા જિલ્લાના સલામપુરા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ સીસું-જસતના ભંડાર મળ્યા છે.

આ ક્ષેત્રમાં પોટાશ અને ગ્લુકોનાઇટને શોધવા માટે નાગૌર, ગંગાપુર અને સવાઇ માધોપુર ખોદકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પોટાશ અને ગ્લુકોનાઇટના ભંડાર મળવાથી ભારતને ફર્ટિલાઇઝર મિનરલની આયાત પર નિર્ભર નહી રહેવું પડે.

અમેરિકા પાસે સૌથી વધુ ૮૧૩૩.૫ મેટ્રિક ટન સોનું છે જયારે ભારત પાસે ૫૫૭.૭ મેટ્રિક ટન સોનું છે. દુનિયામાં ૯ દેશ એવા છે જેમની પાસે ભારતથી પણ વધુ સોનું હોય.(૨૧.૨૪)

(3:47 pm IST)