Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ISRO ૧૦૦મો ઉપગ્રહ સ્પેસમાં મોકલશેઃ એક સાથે ૩૧નું લોન્ચિંગ

૧૨ તારીખે સવારે PSLVથી છોડાશેઃ જેમાં ૨૮ વિદેશ સેટેલાઇટ હશે

નવી દિલ્હી તા. ૧૦ : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) શુક્રવારે પોતાના દ્વારા બનાવવામાં આવેલો ૧૦૦મો સેટેલાઈટ લોન્ચ કરશે. આ ઉપરાંત તેઓ આ સિંગલ મિશનથી ૩૦ વધુ સેટેલાઈટ મોકલશે, જેમાં ૨૮ વિદેશી હશે. આ બીજી તક છે કે જયારે એક સાથે આટલાં બધા સેટેલાઈટ મોકલી રહ્યાં છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઈસરોએ એક સાથે ૧૦૪ સેટેલાઈટ ઓર્બિટમાં મોકલીને રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં મોટા ભાગના વિદેશી હતા.

 આ સેટેલાઈટ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે સવારે ૯-૨૮ વાગ્યે PSLVથી છોડવામાં આવશે. ઈસરોના ડાયરેકટર એમ. અન્નાદુરેએ એક રિપોર્ટમાં કહ્યું કે, 'જેવું જ મિશનનું અંતિમ સેટેલાઈટ PSLV સી-૨૦થી અલગ થઈને પોતાના ઓર્બિટમાં જશે તે સાથે આ અમારૂમાં ૧૦૦નું સેટેલાઈટ હશે. આ સાથે જ અમારી સદી પૂર્ણ થઈ જશે. અમે આ અવસરની ઘણી જ રાહ જોઈ રહ્યાં છીએ.'

 અન્નાદુરેએ જણાવ્યું કે, 'મિશનની સાથે કુલ ૩૧ સેટેલાઈટ મોકલવામાં આવી રહ્યાં છે. મેન પે-લોડ કોન્ટેસ્ટ સીરીઝનો ત્રીજો સેટેલાઈટ છે. બાકી ૨૮ વિદેશી સેટેલાઈટ છે. ભારતનો ત્રીજો સેટેલાઈટ માઈક્રો સેટેલાઈટ છે, જેનું વજન ૧૦૦ કિલોગ્રામ છે. જે સૌથી છેલ્લે ઓર્બિટમાં પહોંચશે.'

 આ મિશનમાં PSLV સી-૪૦ કુલ ૧,૩૨૩ કિલોગ્રામ વજનના સેટેલાઈટ લઈ જશે.જેમાં કાટોંસેન્ટ-૨નું વજન ૭૧૦ કિલો છે, જયારે બાકીના ૩૦ સેટેલાઈટનું વજન ૬૧૩ કિલોગ્રામ છે. કેનેડા, ફિનલેન્ડ, ફ્રાંસ, રિપબ્લિક ઓફ કોરિયા, યુએક અને USAના સેટેલાઈટ લોન્ચ કરશે.

 અન્નાદુરેએ જણાવ્યું કે, 'ચંદ્રયાન-૨ના લોન્ચિંગ આ વર્ષના પહેલાં કવાર્ટરમાં કરવાનો પ્લાન છે. આ મિશનની સાથે ઓર્બિટર અને લેન્ડર પણ મોકલવામાં આવશે. તેનું ઈન્ટીગ્રેશન અને ટેસ્ટિંગ ફાઈનલ સ્ટેજમાં છે.'

(3:44 pm IST)