Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

નવસેકા પાણીમાં ઘી મિક્‍સ કરી નહાવાથી શરીર માટે ફાયદારૂપઃ નહાવાથી સ્‍પાનો અનુભવ થશે

માથાનો દુઃખાવો, બ્‍લડ સર્કયુલેશન અને ત્‍વચા માટે ખૂબ જ રાહત તથા સિઝનલ સંક્રમણથી પણ બચાવશે

નવી દિલ્‍હીઃ નવસેકા પાણીમાં ઘી મિક્‍સ કરી સ્‍નાન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. માથાનો દુઃખાવો, બ્‍લડ સર્કયુલેશન તથા ત્‍વચા માટે ખૂબ જ રાહત અનુભવાય છે. ગરમ પાણીમાં ઘી મિક્‍સ કરવાથી સિઝનલ સંક્રમણ અટકે છે.

ન્હાવા માટે ગરમ પાણી લેવું કે ઠંડા પાણીએ ન્હાવું એવા સવાલો હંમેશા ચર્ચાનો મુદ્દો રહેતા હોય છે. વાત જ્યારે હેલ્થ અને ફિટનેસની હોય ત્યારે આ સવાલ પણ ચોક્કસ આવતો હોય છે. ઘણાં લોકો ઠંડા પાણીએ ન્હાવાની તરફેણ કરતા હોય છે તો ઘણાં લોકો નવશેકા પાણીમાં મીઠું નાંખીને કે લીમડાંના પત્તા નાંખીને કે ડેટોલ નાંખીને ન્હાવાની સલાહ આપતા હોય છે. પણ શું તમે ક્યારે ગરમ એટલેકે, નવશેકા પાણીમાં ઘી નાંખીને ન્હાયા છો? આ નુસખો તમને સ્પા નો અનુભવ પણ ભૂલાવી દેશે. જોકે, દરેકના શરીર જુદાં-જુદાં હોય છે તેથી કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ હોય છે.

બાળકોથી લઈને બુજુર્ગો સુધી સૌને દેશી ઘીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, ઘીને માત્ર ખાવાથી જ ફાયદા મળે છે એવું નથી, નવશેકા પાણીમાં ઘી મિક્સ કરી નહાવાથી પણ શરીરને ઘણા ફાયદા મળે છે. આખા દેશમાં શિયાળાની શરૂઆત થઈ જ ગઈ છે ત્યાં અમે તમને જણાવી રહ્યા છીએ ઠંડીમાં નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને નહાવાના ફાયદા.

વાત કરીએ શિયાળાની. તો ફૂલ ગુલાબી ઠંડી વાળો શિયાળો હવે શરૂ થઈ ગયો છે. શિયાળામાં લોકો ફિટનેસ માટે કસરત કરતા હોય છે. જોકે, બીજી બાજુ શિયાળાને કારણે શરીરમાં અનેક સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. હવામાં નમીના કારણે શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓ શરૂ થઈ જાય છે. આપણા વડીલો આપણને શિયાળામાં મોસમી બીમારીઓથી છૂટકારો મેળવવા માટે ઘીનું સેવન કરવાની સલાહ આપે છે. દેશી ઘીમાં વિટામિન એ, કે, ઈ, ઓમેગા-3, ઓમેગા-9 ફેટી એસિડ જેવાં અનેક પોષકતત્વો હોય છે, જે શારીરને રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને સિઝનલ સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.

માથાના દુખાવાથી રાહત આપે છે ઘી-

શિયાળામાં નવશેકા પાણીથી નહાવાથી માથાના દુખાવાથી રાહત મળી શકે છે. વાસ્તવમાં શિયાળામાં વાતા ઠંડા પવનો માથામાં લાગતાં ઘણા લોકોને માથાનો દુખાવો અને આંખની આસપાસના ભાગમાં દુખાવો અનુભવાય છે. આ લોકોએ નવશેકા પાણીમાં ઘી નાખી નહાવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

બ્લડ સર્કુલેશન સારું કરવામાં મદદ કરે છે ઘી-

શિયાળામાં નવશેકા પાણીમાં અડધી ચમચી દેશી ઘી મિક્સ કરી નહાવાથી શરીરનું બ્લડ સર્કુલેશન ઠીક કરવામાં મદદ મળે છે. દેશી ઘીનાં પોષકતત્વો ઘીમાં મળતાં જ તે શરીરનું તાપમાન ઠીક કરે છે અને શરીરને અંદરથી તણાવ મુક્ત કરવામાં મદદ કરે છે, જેથી બ્લડ સર્કુલેશન ઠીક કરવામાં મદદ મળે છે.

ત્વચાને મૉઈશ્ચરાઈઝ કરે છે ઘી-

શિયાળામાં હવામાં નમી હોવાના કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. ત્વચાની ડ્રાયનેસ ઓછી કરવા માટે આપણે શરીર પર વારંવાર બૉડી લોશન લગાવીએ છીએ અને તેલથી માલિશ પણ કરીએ છીએ. પરંતુ નવશેકા પાણીમાં ઘી મિક્સ કરી નહાવાથી શિયાળામાં ડ્રાય સ્કિનથી છૂટકારો મળે છે. ઘીમાં રહેલ પોષક તત્વો ત્વચાને ડીપ મૉઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે.

(5:34 pm IST)