Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

હિમાચલ પ્રદેશમાં નવા મુખ્‍યમંત્રી કોણ?

પ્રતિભાસિંહ, સુખવિંદરસિંહ અને મુકેશ અગ્નહોત્રીના નામ આગળ

નવી દિલ્‍હીઃ  હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત સાથે રાજયના પક્ષ પ્રમુખ પ્રતિભાસીંહનુ નામ મુખ્‍યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યુ છે. ત્‍યાર પછી પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ સુખવિંદરસિંહ સુખ્‍ખુ અને કોંગ્રેસ વિધાયક દળના નેતા મુકેશ અગ્નીહોત્રીના નામો છે.

 પ્રતિભાસિંહે જો કે વિધાનસભાની ચુંટણી નથી લડી અને તે ધારાસભ્‍ય પણ નથી, પણ તેમણે રાજયભરમાં મોટા પાયે પ્રચાર કર્યો હતો. તેઓ રાજયમાં ભૂતપૂર્વ  મુખ્‍ય પ્રધાન વીરભદ્રસિંહનો વારસો આગળ વધારી રહ્યો છે. જેમણે ચાર દાયકાથી વધારે સમય સુધી રાજયમાં પક્ષનુ નેતૃત્‍વ કર્યુ હતુ.ઁ પક્ષના સુત્રોએ દાવો કર્યો છે કે પ્રતિભાને મોટા ભાગના ધારાસભ્‍યોનું સમર્થન છે.

પ્રતિભાસિંહના પુત્ર વિક્રમાદિત્‍ય શીમલા ગ્રામ્‍ય બેઠક પરથી ચુંટાયા છે અને લોકો ભલે તેમને મુખ્‍યમંત્રી પદ માટે બહુ નાના ગણતા હોય પણ તેમને પણ આશા છે મુખ્‍યમંત્રી બનવાની.

અન્‍ય સીએમ પદના દાવેદારોમાં નાદૌનના ધારાસભ્‍ય સુખવિંદરસિંહ સુખ્‍ખુ અને હરૌલીથી ચુંટાયેલ મુકેશ અગ્નહોત્રી પણ છે. બન્નેને આશા છે પાર્ટી હાઇકમાંડ ભૂતપૂર્વ પીસીસી પ્રમુખ અને કોંગ્રેસ વિધાયક દળના નેતા તરીકે તેમણે કરેલા કામનુ ઇનામ આપશે.

બહુકોણીય મુકાબલામાં ઠીયોગથી જીતેલા ભૂતપૂર્વ પીસીસી પ્રમુખ કુલદીપસિંહ રાઠૌર પણ મુખ્‍યમંત્રી પદના દાવેદાર છે અને દાવો કરી રહ્યા છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પક્ષમાં રહેલી જુથબંધી દૂર કરીને તેમણે પક્ષને એક કર્યો છે.

(4:19 pm IST)