Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાજપના ચૂંટાયેલા ૧૨૯ MLA કરોડપતિ : ૨૭નો ગુનાહિત ઇતિહાસ : ૨૯ વર્ષીય હાર્દિક સૌથી નાના

ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્‍યમાં સૌથી પૈસાદાર ધારાસભ્‍ય ભાજપના માણસાના જયંતીભાઇ પટેલ છે : તેની સંપત્તિ : ૬૬૧ કરોડ : સાથે જ સૌથી દેવાદાર ધારાસભ્‍યમાં પણ જયંતીભાઇ પટેલ જ : તેમના માથે ૨૩૩ કરોડનું દેવું છે

નવી દિલ્‍હી તા. ૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂક્‍યા છે. આ પરિણામો સાથે જ ભાજપે ઐતિહાસિક જીત હાસલ કરી છે. ભાજપે ૧૫૬ બેઠકો, કોંગ્રેસ ૧૭, આપ ૫ અને અન્‍યને ૪ બેઠકો મળી છે. આવામાં આપણે નવા ચૂંટાયેલા ધારાસભ્‍યોમાં સૌથી વધુ ભણેલા, ગુનાહિત ઇતિહાસ ધરાવતા ધારાસભ્‍ય, સૌથી નાના ધારાસભ્‍ય, સૌથી પૈસાદાર ધારાસભ્‍યની વાત કરીશું.

નવા ચૂંટાયેલા ધારાસભ્‍યોમાં ૯૩ ધારાસભ્‍ય ગ્રેજયુએટ કે તેનાથી વધુ ભણેલા છે. જેમાંથી સૌથી ૮૦ ધારાસભ્‍ય ભાજપના છે. ૧૦ ઉમેદવાર કોંગ્રેસના અને ૨ ઉમેદવાર આપના છે. ધોરણ ૧૧ અને ૧૨ સુધી ભણેલા હોય તેવા ૩૯ ધારાસભ્‍ય છે. ધોરણ ૧થી ૧૦ સુધી અભ્‍યાસ કર્યો હોય તેવા ૫૦ ધારાસભ્‍ય નવી વિધાનસભામાં જોવા મળશે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ધારાસભ્‍યોની વાત કરીએ તો, ૪૦ ધારાસભ્‍યો એવા છે જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સૌથી ૨૭ ભાજપના, ૮ કોંગ્રેસના, ૨ આપના ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપના વિરમગામના ધારાસભ્‍ય હાર્દિક પટેલ સામે સૌથી વધુ ૨૨ કેસ છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૭માં આવે ધારાસભ્‍યોની સંખ્‍યા ૪૭ હતી.

ઉંમર પ્રમાણે ધારાસભ્‍યની વાત કરીએ તો, વિરમગામથી ભાજપના વિજેતા ઉમેદવાર હાર્દિક પટેલ ૨૯ વર્ષના છે. જયારે સૌથી મોટી ઉંમરના ધારાસભ્‍ય માંજલપુરના ૭૬ વર્ષીય યોગેશ પટેલ છે. ૩૦થી ઓછી ઉંમરમાં ભાજપના ૨ ધારાસભ્‍યોનો સમાવેશ થાય છે. ૩૧થી ૬૦ વર્ષની વયજૂથના ૧૩૧ ધારાસભ્‍ય છે. જેમાં ભાજપના ૧૦૭, કોંગ્રેસના ૧૪ અને આપના ૦૫ ધારાસભ્‍ય છે. ૬૧ વર્ષની ઉપરના ૫૦ ધારાસભ્‍ય છે. જેમાં કોંગ્રેસના ૪૭ અને કોંગ્રેસના ૩ ધારાસભ્‍ય છે.

ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્‍યમાં સૌથી પૈસાદાર ધારાસભ્‍ય ભાજપના માણસાના જયંતીભાઇ પટેલ છે. તેની સંપત્તિ ૬૬૧ કરોડ છે. સાથે જ સૌથી દેવાદાર ધારાસભ્‍યમાં પણ જયંતીભાઇ પટલે જ છે. તેમના માથે ૨૩૩ કરોડનું દેવું છે. જયારે સૌથી ઓછી સંપત્તિ ધરાવતાં ધારાસભ્‍ય આપના સુધીર વાઘાણી છે. તેઓ આપના ગારિયાધારના ધારાસભ્‍ય છે અને તેમની સંપત્તિ ૧૯ લાખ રૂપિયા છે. ઉપરાંત કોરડપતિ ધારાસભ્‍યમાં ભાજપના ૧૨૯ ધારાસભ્‍ય, કોંગ્રેસના ૧૩ અને આપના ૧ ધારાસભ્‍યનો સમાવેશ થાય છે.

(10:31 am IST)