Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મહારાષ્‍ટ્રના પ્રોજેકટ ચુંટણી પહેલા ગુજરાતને અપાયાઃ ઉધ્‍ધવ ઠાકરે

મોદીના ગુજરાત પ્રેમના કારણે ભાજપાની જીત

મુંબઇ, તા.૯: મહારાષ્‍ટ્રના ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાન ઉધ્‍ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્‍ટ્રના પ્રોજેકટ ઝુંટવીને ગુજરાતને આપવાના કારણે ગુજરાતમાં ભાજપાની જીત થઇ છે. ‘સામના'ના તંત્રીલેખમાં કહેવાયુ છે કે વડાપ્રધાન મોદીના કારણે ગુજરાત વૈશ્‍વિક કોન્‍ફરન્‍સોનું મથક બન્‍યું અને વૈશ્‍વિક નેતાઓ સાબરમતી, અમદાવાદની મુલાકાતે આવ્‍યા.

ગુરૂવારે મહારાષ્‍ટ્રના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી ઉધ્‍ધવ ઠાકરેએ કહ્યું કે ગુજરાતમાં ભાજપાની ઐતિહાસીક જીતમાં મહારાષ્‍ટ્રએ મહત્‍વની ભૂમિકા ભજવી છે કેમ કે જે વિકાસના પ્રોજેકટોનું આયોજન મહારાષ્‍ટ્રમાં થયુ હતું તેમને ચુંટણી પહેલા ગુજરાતને આપી દેવાયા હતા. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં શુક્રવારે કહેવાયું કે મહામારી દરમ્‍યાન ગુજરાતની પરિસ્‍થિતી અથવા તાજેતરની મોરબી દુર્ઘટના છતાં ગુજરાતના પરિણામો આશ્‍ચર્યજનક નથી. મહારાષ્‍ટ્ર જેવા રાજયોના ઝુંટવાયેલ પ્રોજેકટો દ્વારા આના સાટું વાળી દેવાયું છે.

વડાપ્રધાન મોદીને ‘ગુજરાતના ગૌરવપુરૂષ' કહીને સામનાએ કહ્યું કે ગુજરાત સ્‍થિર વિકાસના માર્ગેથી  એમ મોદીના કારણે છે. મહારાષ્‍ટ્ર જેવા રાજયોમાંથી મોટા પ્રોજેકટો ઝુંટવીને ગુજરાતને અપાયા છે. આનું સાટુ ચુંટણીમાં વળી ગયું છે.

ગુરૂવારે ઉધ્‍ધવ ઠાકરે એ એક સ્‍ટેટમેન્‍ટ આપતા કહ્યું કે મહારાષ્‍ટ્રના ઝુંટવાયેલા પ્રોજેકટોએ ગુજરાતમાં ભાજપાને મદદ કરી છે. ઉધ્‍ધવે કહ્યું, ‘મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અને મુખ્‍યમંત્રીએ આ પ્રોજેકટો ચુંટણી માટે ગુજરાતને વેચી દીધા હતા અને હવે તેઓ આપણાં ગામડાઓ ચુંટણી માટે કર્ણાટકને આપી રહ્યા છે.

(11:44 am IST)