Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રેકોર્ડ સર્જતુ ભાજપ : ઐતિહાસિક વિજય

સમગ્ર ગુજરાતમાં મોદી મેજીક છવાયો : કોંગ્રેસ - આપના સુપડા સાફ થઇ ગયા

નવી દિલ્‍હી તા. ૮ : ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ‘મોદી મેજીક' છવાતા ભાજપને બમ્‍પર વિજય મળ્‍યો છે. જ્‍યારે ‘આપ' અને કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. સમગ્ર ગુજરાતમાં જાણે કે મોદી લહેર છવાઇ ગઇ હોય તેમ ભાજપ ફરી સત્તારૂઢ થઇ રહી છે. આ લખાય છે તમામ ૧૮૨ બેઠકો ઉપરના ટ્રેન્‍ડ બહાર આવી ગયા છે. જેમાં ભાજપ ૧૫૭ બેઠક ઉપર આગળ છે. જ્‍યારે કોંગ્રેસ માત્ર ૧૬ પર તો આપ માત્ર ૭ બેઠક ઉપર આગળ ચાલે છે. ૨ બેઠક પર અન્‍ય ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ભાજપને ૫૬ બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે તો કોંગ્રેસને ૫૯ બેઠકોનું નુકસાન થઇ રહ્યું છે. ડબલ એન્‍જીન સરકાર અને ભરોસાની સરકારના સૂત્રો પ્રજાના ગળે ઉતરી ગયા છે અને ફરી વખત સત્તાનું સિંહાસન પ્રજાએ ભાજપને સોંપ્‍યું છે. ભાજપ ગુજરાતમાં ૨૭ વર્ષથી સત્તાપર છે. હવે વધુ ૫ વર્ષ પ્રજાએ ભરોસો મુકતા પક્ષે ઇતિહાસ રચી દીધો છે અને વિક્રમ પણ નોંધાવ્‍યો છે. ભાજપે વિજયનો જશ્‍ન મનાવ્‍યો છે. ગુજરાતમરં ફરીવાર ભાજપની સરકાર રચાશે. વિપક્ષો ભાજપના ગઢને તોડી શકી નથી. જો કે આપને વધુ બેઠકો નથી મળવાની પણ તેણે કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે.

ભાજપે સૌરાષ્‍ટ્ર - કચ્‍છ, મધ્‍ય - ઉત્તર - દક્ષિણ ગુજરાતમાં વિજય વાવટો ફરકાવી દીધો છે. અમદાવાદમાં મુસ્‍લિમ બહુમતી વિસ્‍તારમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. અમદાવાદ - વડોદરા - સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં ભાજપનો દબદબો રહ્યો છે. મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યો છે. સૌરાષ્‍ટ્ર - કચ્‍છની ૫૪ બેઠકોમાંથી ૪૧ બેઠકો પર ભાજપ, ૭માં કોંગ્રેસ તો આપ ૪ અને ૨ બેઠક પર અન્‍ય ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

રાજકોટ જિલ્લાની તમામ ૮ બેઠકો ઉપર ભાજપ આગળ છે. જ્‍યારે અમદાવાદની ૨૧માંથી ૨૦ પર ભાજપ આગળ છે. જ્‍યારે ૧ પર કોંગ્રેસ આગળ છે. સુરતની ૧૬માંથી ૧૫ પર તો વડોદરાની ૧૦ બેઠક પર ભાજપ આગળ છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, મહેન્‍દ્ર પાડલીયા, અલ્‍પેશ ઠાકોર, શંકર ચૌધરી, કાંતિભાઇ અમૃતિયા, જીતુભાઇ વાઘાણી, હાર્દિક પટેલ, ગીતાબા જાડેજા, પબુભા માણેક, જયેશ રાદડિયા આગળ ચાલી રહ્યા છે.

(12:00 am IST)