Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મોદી ઇઝ ધ કિંગ : ગુજરાતમાં લહેર નહિ પણ સુનામી

૬૨ વર્ષના ઇતિહાસમાં ભાજપનો તોતિંગ વિજય : ‘આપ'નો ઉદય : કોંગ્રેસના સુપડાસાફ : ૧૮૨ બેઠકોમાંથી ૧૫૮ બેઠક પર ભાજપ આગળ / વિજય : કોંગ્રેસ ૧૬ તો આપ ૫ અને અન્‍ય ૩ પર આગળ / વિજયઃ રાજ્‍યભરમાં ભાજપ તરફી પ્રચંડ મોજુ : સીએમ ભૂપેન્‍દ્રભાઇ તોતીંગ સરસાઇથી જીત્‍યા : ભાજપમાં જશ્‍નનો માહોલ : ‘આપ'ના ઇટાલીયા - ઇસુદાન - કથિરીયા હાર્યા : અમદાવાદ - વડોદરા - સુરત - રાજકોટ મહાનગર ભગવા રંગે રંગાયુ : કોનો કેટલો વોટ-શેર? ભાજપ-૫૨.૮૫ ટકા , કોંગ્રેસ-૨૭.૧૦ ટકા , આપ-૧૨.૮૫ ટકા : કોંગ્રેસ ૧૯ બેઠક નહીં મેળવે તો તે વિપક્ષનું બિરૂદ પણ ગુમાવશે

નવી દિલ્‍હી, તા.૮: ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ઇતીહાસ રચી દીધો છે. સમગ્ર રાજય ભગવા રંગે રંગાયુ હોય તેમ ચારેકોર ભાજપનો જયજયકાર થયો છે. વડાપ્રધાન મોદીની લહેર નહિ પણ સુનામી જોવા મળી હોય તેમ ભાજપ બમ્‍પર વિજય તરફ આગેકુચ કરી રહ્યો છે. ભાજપે તોતિંગ બહુમતી મેળવી લીધી છે અને રાજયમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે રાજયમાં કોંગ્રેસે કદી ન દર્શાવ્‍યુ હોય તેવું ખરાબ પ્રદર્શન કર્યુ છે. રાજયમાં ‘આપ'નો ઉદય થયો છે પણ તેના સરકાર રચવાના ઓરતા અધુરા રહી ગયા છે. ભાજપે ૬૨ વર્ષના ઇતિહાસમાં સૌથી સારો દેખાવ કર્યો છે આ લખાય છે ત્‍યારે ભાજપ ૧૮૨ બેઠકોમાંથી ૧૫૮ પર વિજયી/આગળ ચાલે છે જયારે કોંગ્રેસ ૧૬ પ૨, આપ ૫ પર અને અન્‍ય ૩ પર આગળ/ વિજય મેળવી રહેલ છે. ભાજપને ૫૯ બેઠકોનો ફાયદો થયો છે જયારે કોંગ્રેસને ૧૬ બેઠકોનું નુકશાન થઇ રહ્યું છે. ભાજપનો ધમાકેદાર વિજય થતા ઠેરઠેર જશ્‍ન મનાવાય રહ્યો છે. સૌથી મોટી ઉજવણી કમલમ ખાતે થઇ હતી. રાજયના મુખ્‍યમંત્રી તરીકે ભુપેન્‍દ્રભાઇ પટેલ ૧૨મીએ શપથ ગ્રહણ કરશે એ સમયે પીએમ મોદી તથા ગૃહમંત્રી શાહ ઉપસ્‍થિત રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તરફ સમગ્ર ગુજરાતનું જ નહિ પણ સમગ્ર દેશનું ધ્‍યાન કેન્‍દ્રિત થયુ હતું કારણ કે ગુજરાત પીએમ - ગૃહમંત્રીનું હોમ સ્‍ટેટ છે. અહીં ભાજપે જંગ જીતવા પૂરેપૂરી તાકાત લગાડી હતી તો વિપક્ષોએ ભાજપને હરાવવા કોઇ કસર છોડી ન્‍હોતી. વડાપ્રધાન ૩૦ રેલીઓ યોજી હતી. એટલુ જ નહિ ભવ્‍ય રોડ શો પણ યોજયા હતાં તેમણે ભરોસો મૂકવા અને ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ - વડોદરા - સુરત અને રાજકોટે રંગ રાખ્‍યો છે અને ભાજપે જોરદાર બેઠકો મેળવી છે જયારે અપસેટ કહીએ તો ખંભાળીયાથી આપના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી હારી ગયા છે જયારે પક્ષના પ્રમુખ ઇટાલીયા અને હાલમાં જોડાયેલા કથીરીયા પણ હારી ગયા છે અમરેલીથી પરેશ ધાનાણી હારી ગયા છે જયારે પોરબંદરથી અર્જુન મોઢવાડીયા ચુંટણી જીતી ગયા છે વીરમગામથી હાર્દિક ચુંટણી જીતી ગયા છે.

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કરુણ રકાસની વાત નિકળે ત્‍યારે અત્‍યાર સુધી ૧૯૯૦ના ચૂંટણી પરીણામોનું ઉદાહરણ આપવામાં આવતું હતું. ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૮૨માંથી માત્ર ૩૩ બેઠકો મેળવી હતી. અનામત આંદોલન, મોંઘવારીથી લઇને  આ બધી જ બાબતોનો પડઘો ૧૯૯૦ના ઇલેકશનમાં પડયો હતો. જેમાં કોગ્રેસને ૧૯૮૫માં ૧૪૯ બેઠકો મળી હતી તે ઘટીને માત્ર ૩૩ થઇ ગઇ હતી. વીપીસિંહના જનતાદળ અને ભાજપના ગઠબંધને ગુજરાતમાં ફતેહ હાંસિલ કરી હતી.ભાજપને ૬૭ જયારે જનતાદળને ૭૦ બેઠકો મળી હતી. અગાઉ ૧૯૮૫માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૧૪૯ બેઠકો મેળવી હતી જે પાંચ વર્ષમાં ૩૩ બેઠકો પર સમેટાઇ ગઇ હતી.

૧૯૯૦ની આ શરમજનક હારને પણ ભૂલાવી જે તેવું માઠા પરીણામો ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના પરીણામો મળી રહયા છે. ભાજપ છેલ્લા ૨૭ વર્ષથી સત્તામાં હતું. સતત સાતમી વાર રેકોર્ડતોડ બહુમતીથી જીત મેળવી રહયું છે ત્‍યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો કોંગ્રેસ માટે વોટર લૂ સાબીત થઇ રહયા છે. ચૂંટણી પરીણામો પહેલા ગુજરાત કોંગ્રેસ ૧૨૫ બેઠકો સાથે બહુમતિ મેળવવાનો દાવો કરતી હતી પરંતુ વરતારા અને પરીણામોમાં માંડ ૨૦ બેઠકો પણ મળી રહી નથી. પીએમ નરેન્‍દ્રભાઇ મોદી સહિત કેન્‍દ્રીય મંત્રીઓ અને ભાજપની રાષ્‍ટ્રીય નેતાગીરીના તાબડતોબ આક્રમક પ્રચાર  સામે કોંગ્રેસની ખાટલા પરીષદો અને ડોર ટુ ડોર કેમ્‍પઇન જેવી વ્‍યૂહરચનાઓ નિષ્‍ફળ ગઇ છે.

સામાન્‍ય રીતે શહેરી વિસ્‍તારોમાં ભાજપ જયારે ગ્રામીણ વિસ્‍તારોમાં કોંગ્રેસ નો મતદારો પર સારો પ્રભાવ હોવાનું માનવામાં આવતું હતું. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો મેળવીને ભાજપના વિજય રથને ૯૯એ અટકાવી દીધો હતો. ભાજપ માટે ગત વિધાનસભા ચૂંટણીનો ચુકાદો વોર્નિગ બેલ સમાન હતો પરંતુ કોંગ્રેસની નબળી નેતાગીરી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાના સ્‍થાને ૨૦ થી ૨૫ બેઠકો પુરતી સમેટાય અને ભાજપ કયારેય ના મેળવી હોય એટલી બેઠકો સાથે રેકોર્ડ તોડ જીત તરફ અગ્રેસર છે.

(12:00 am IST)