Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

યુપીના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું હેલિકોપ્ટર લેન્ડ થતું હતું ત્યારે હેલિપેડ પર પહોંચ્યું કૂતરું

યુપીના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુલતાનપુરમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા : કૂતરું હેલિકોપ્ટરથી થોડે દૂર રોકાતાં અકસ્માત થતા રહી ગયો

લખનૌ, તા.૯ : દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું ગુરુવારે હેલિકોપ્ટર ક્રેશ થવાથી નિધન થઈ ગયું હતું. આ અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ યુપીના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હેલિકોપ્ટર સાથે પણ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ.

યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ આંગણવાડીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુલતાનપુર પહોંચ્યા હતા. તેમનું હેલિકોપ્ટર બુધવારે જ્યારે પોલીસ લાઈનના હેલિપેડ પર લેન્ડ કરી રહ્યું હતું ત્યારે સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળી હતી. જે સમયે હેલિકોપ્ટર હેલિપેડ પર લેન્ડ કરી રહ્યું હતું, એ સમયે જ એક કૂતરું હેલિપેડ પર પહોંચી ગયું હતું. જોકે, સારી વાત એ રહી કે, કૂતરું હેલિકોપ્ટરથી થોડે દૂર રોકાઈ ગયું અને મોટો અકસ્માત થતા રહી ગયો. આશ્ચર્યની વાત એ છે કે, એક પોલીસકર્મી હેલિપેડ પાસે હાજર હતો અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓએ પણ કૂતરાને હટાવવાનો પ્રયાસ ન કર્યો. આ અંગે સુલતાનપુરના ડીએમ રવીશ ગુપ્તા સાથે વાત કરવામાં આવી તો તેમણે એમ કહીન વાત પૂરી કરી દીધી કે, હું ત્યાં ઉપસ્થિત હતો, પરંતુ આવું કંઈ જોવા મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે બપોરે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવતને લઈ જઈ રહેલું સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા સહિત અન્ય ૧૧ લોકોના મોત થઈ ગયા. આ અકસ્માતમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ એકમાત્ર જીવિત રહ્યા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(9:18 pm IST)