Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન વિવિધ વિભાગોનું સમારકામ કરવાનું હોવાથી 13 થી 17 ડિસેમ્‍બર સુધી પાવાગઢ માતાજી મંદિર ભાવિકો માટે બંધ રાખવા નિર્ણય

રિનોવેશન અને ડેવલપમેન્‍ટની કામગીરીના કારણે મંદિર ટ્રસ્‍ટ દ્વારા નિર્ણય

પંચમહાલ: કોરોના મહામારી બાદ અનેકવાર યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શન માટે બંધ રાખવામા આવ્યુ છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં વધુ ચાર દિવસ માટે મંદિર દર્શન માટે બંધ રહેશે તેવી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરાઈ છે. આગામી 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી મંદિર ભક્તો માટે દર્શન બંધ રાખવા મંદિર ટ્રસ્ટે નિર્ણય ક્રયો છે. મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન મંદિરના મહત્વના ભાગનું કામ કરવાનું હોવાથી મંદિર બંધ રહેશે.

ફરીથી રિનોવેશનની કામગીરી આરંભાઈ

પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જોકે ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ હાલ પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ વચ્ચે ફરીથી રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. જેથી મંદિર ડિસેમ્બર મહિનામાં 13 થી 17 ડિસેમ્બર સુધી બંધ રહેશે.

રિનોવેશન દરમિયાન તૂટ્યો હતો જર્જરિત ભાગ

છેલ્લા ઘણા સમયથી પાવાગઢ મંદિરના રિનોવેશન અને ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે મહાકાળી માતાના મંદિર પરિસરનો એક ભાગ ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે તે મશીનનો ઝર્ક લાગતા રસોડાનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ નુકસાન કે કોઇને ઇજા પહોંચી ન હતી. પરંતુ હવે ફરીથી ટ્રસ્ટ દ્વારા મંદિર રિનોવેશનની કામગીરી શરૂ કરાઈ છે.

(4:10 pm IST)