Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કોરોના-ઇફેકટઃ એપલને આઇફોન, આઇપેડનું ઉત્પાદન અટકાવવું પડયું

છેલ્લા દસ વર્ષમાં કંપની સાથે આવું પહેલી જ વાર બન્યું છે

કયૂપર્ટિનો (કેલિફોર્નિયા), તા.૯: કોરોનાવાઈરસ રોગચાળાને કારણે દુનિયાભરમાં ચીજવસ્તુઓની પુરવઠા શ્રૃંખલાને ખૂબ જ માઠી અસર પડી છે. આ સમસ્યા અમેરિકાની અગ્રગણ્ય ટેકનોલોજી કંપની એપલને પણ નડી છે. તેને એના લોકપ્રિય સ્માર્ટફોન આઈફોનનું ઉત્પાદન અટકાવી દેવાની ફરજ પડી છે. છેલ્લા દસ વર્ષમાં કંપની સાથે આવું પહેલી જ વાર બન્યું છે.

એપલના ચીફ એકિઝકયૂટિવ ટીમ કૂકે ગયા ઓકટોબરમાં કહ્યું હતું કે રજાઓની મોસમવાળા ત્રિમાસિક (હોલિડે કવાર્ટર) દરમિયાન સપ્લાય ચેન સામેની સમસ્યાની અસર વધારે બગડશે. અને એપલ કંપનીએ ગયા ઓકટોબરમાં, દાયકામાં પહેલી જ વાર એના મુખ્ય ઉત્પાદન આઈફોન-૧૩ સ્માર્ટફોન તથા નવા આઈપેડનું ઉત્પાદન અટકાવી દીધું હતું. સ્માર્ટફોન માટેની ચિપની અછત અને સપ્લાય ચેન ખોરવાઈ ગઈ હોવાને કારણે એપલના ઉત્પાદનને ફટકો પડ્યો છે. સામાન્ય રીતે, દર વર્ષે હોલિડે કવાર્ટર એપલ માટે સૌથી વ્યસ્ત રહેતો હોય છે, કારણ કે એ દરમિયાન ઘણા ગ્રાહકો નાતાલના અનેક અઠવાડિયા પૂર્વે ગિફ્ટ તરીકે આઈફોન અને આઈપેડની ખરીદી કરતાં હોય છે.

(3:29 pm IST)