Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાવતના હેલિકોપ્ટરને અચાનક શું થયું? સતાવી રહ્યા છે આ પાંચ સવાલ

વાયુ સેનાના આ સૌથી આધુનિક હેલિકોપ્ટરનું અચાનક દુર્ઘટનાગ્રસ્ત થવું અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે

નવી દિલ્હી, તા.૯: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની અને ૧૧ અન્ય સંરક્ષણ કર્મચારીઓ બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા. આ અકસ્માત ત્યારે થયો જયારે CDS ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનમાં લેકચર આપવા જઈ રહ્યા હતા. હેલિકોપ્ટર લેન્ડિંગની થોડી મિનિટો પહેલા ક્રેશ થયું હતું. સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટરનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અકસ્માત પહેલાનો છે. તેમાં હેલિકોપ્ટર સારી રીતે ઉડતું જોવા મળે છે. પછી અચાનક તે ઝાકળના વાદળમાં ખોવાઈ જાય છે. . આ બધા વચ્ચે અકસ્માતને લઈને લોકોના મનમાં અનેક સવાલો અને આશંકા છે. જાણો આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે...

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ભારતીય વાયુસેનાના એમ્બર એરક્રાફ્ટમાં સવારે ૮:૪૭ વાગ્યે પાલમ એરબેઝથી રવાના થયા હતા અને સવારે ૧૧:૩૪ વાગ્યે સુલુર એરબેઝ પહોંચ્યા હતા. સુલુરથી તેમણે લગભગ ૧૧:૪૮ કલાકે Mi-17V5 હેલિકોપ્ટરમાં વેલિંગ્ટન માટે ઉડાન ભરી. જે પછી હેલિકોપ્ટર બપોરે ૧૨:૨૨ વાગ્યે ક્રેશ થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે દુર્ઘટના પહેલા હેલિકોપ્ટરમાંથી કોઈ ડિસ્ટ્રેસ કોલ આવ્યો ન હતો. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે એવું તો શું થયું કે અકસ્માત પહેલા ક્રૂ મેમ્બર્સ ડિસ્ટ્રેસ કોલ પણ ન કરી શકયા. લેન્ડિંગ પહેલા પાયલોટને સંદેશ હતો કે તે ૪૦૦૦ ફૂટની ઉંચાઈ પર છે અને લેન્ડિંગ બેઝથી ૫ મિનિટ દૂર છે.

જો હેલિકોપ્ટર સૌથી સુરક્ષિત હોય તો અકસ્માતનું કારણ ટેકિનકલ ખામી છે કે કંઈક?

Mi-17 V-5 હેલિકોપ્ટરને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તેથી જ તેનો ઉપયોગ પીએમ સહિત અન્ય વીવીઆઈપી દ્વારા કરવામાં આવે છે. તેમાં ડબલ એન્જિન છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો આ હેલિકોપ્ટર આટલું સુરક્ષિત છે તો આ અકસ્માત કેવી રીતે થયો. શું આ તકનીકી ખામી છે કે બીજું કંઈક? તેમજ નિષ્ણાતો માને છે કે કુન્નૂરમાં આ દુર્દ્યટનાનું કારણ ધુમ્મસ અને નબળી વિઝિબિલિટી હોઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આમાં ટેકનિકલ ખામીની શકયતા દ્યણી ઓછી છે. જોકે, અકસ્માતની તપાસ પાછળના સાચા કારણો ભારતીય વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવેલી કોર્ટ ઓફ ઈન્કવાયરી બાદ જ જાણી શકાશે. હેલિકોપ્ટરના અવશેષોની વધુ ફોરેન્સિક તપાસ બાદ પણ બહાર આવી શકે છે કે અકસ્માતના કયા બાહ્ય કારણો હતા. આ ઉપરાંત તમિલનાડુના વેલિંગ્ટન ખાતે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના ડાયરેકટીંગ સ્ટાફ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ પણ ફ્લાઇટ વિશે સીધી માહિતી આપી શકે છે.

ક્રેશ થયેલા Mi-17V5 હેલિકોપ્ટરનું બ્લેક બોકસ અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યું છે. અગાઉ તપાસ ટીમે શોધનો વ્યાપ વધાર્યો હતો. તો બ્લેક બોકસમાં શું છે? તેમાં કયા રહસ્યો છુપાયેલા છે? બ્લેક બોકસ હેલિકોપ્ટરની અંતિમ ફ્લાઇટની સ્થિતિ અને અન્ય પાસાઓ વિશે માહિતી આપી શકે છે. ભલે તેને બ્લેક બોકસ કહેવામાં આવે છે, પણ ફ્લાઇટ ડેટા રેકોર્ડર ચળકતા નારંગી રંગનું હોય છે અને ફ્લાઇટ ડેટા અને કોકપિટની એકિટવિટીને રેકોર્ડ કરે છે.

આ VVIP હેલિકોપ્ટર દેશી છે કે વિદેશી?

Mi-17 V-5 VVIP હેલિકોપ્ટરનું નિર્માણ રશિયામાં થાય છે. તેને વિશ્વનું સૌથી આધુનિક હેલિકોપ્ટર માનવામાં આવે છે. તેની મહત્ત્।મ ઝડપ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાક છે. તે એક સમયે ૩૬ સૈનિકો સાથે ઉડી શકે છે. તેની વિશેષતા એ છે કે તે ૬૦૦૦ મીટરની ઉંચાઈ પર પણ ઉડી શકે છે. તેની ટેંકમાં એકવાર ઈંધણ ફૂલ કર્યા પછી ૫૮૦ કિમીની મુસાફરી કરી શકે છે. તેને ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.

ધુમ્મસમાં અચાનક હેલિકોપ્ટર કેમ ખોવાઈ ગયું?

આ Mi-17V5 હેલિકોપ્ટર સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક પ્રવાસીએ શૂટ કર્યો છે. વીડિયોમાં હેલિકોપ્ટર આકાશમાં એકદમ બરાબર રીતે ઉડતું જોવા મળે છે. થોડીક સેકંડ પછી, હેલિકોપ્ટર ઝાકળના વાદળમાં અદૃશ્ય થઈ જાય છે.

(3:28 pm IST)