Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રોહિણી કોર્ટના રૂમ નંબર 102માં બ્લાસ્ટ થતા ખળભળાટ : સુરક્ષામાં વધારો કરાયો

લેપટોપમાં વિસ્ફોટના સમાચાર મળતા જ ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા

નવી દિલ્હી :દિલ્હીની રોહિણી કોર્ટના રૂમ નંબર 102માં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો છે.  આ દરમિયાન દિલ્હી પોલીસ અને ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે દિલ્હી પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરીને વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે.

આ સિવાય રોહિણી કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોની સુનાવણી રોકી દેવામાં આવી છે. ત્યારે દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. હકીકતમાં દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, રોહિણી કોર્ટમાં સવારે 10:40 વાગ્યે બ્લાસ્ટનો કોલ આવ્યો હતો, ત્યારબાદ 7 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સાથે જ આ કેવો બ્લાસ્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે

 

વિસ્ફોટથી રોહિણી કોર્ટ કેમ્પસમાં અંધાધૂંધી મચી ગઈ હતી, જ્યાંથી સલામત સ્થળે પહોંચવાનો પ્રયાસ શરૂ થયો હતો. જ્યારે આ બ્લાસ્ટમાં 2 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સિવાય પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે લેપટોપને કારણે બ્લાસ્ટ થયો હોઈ શકે છે. તપાસ માટે કેબિનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ દરમિયાન પોલીસ તપાસ ટીમને જાણવા મળ્યું કે કોર્ટ નંબર 102માં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બ્લાસ્ટ થયો હતો, ત્યારબાદ લોકોએ ફાયરિંગની અફવા ફેલાવી હતી. જેના કારણે સમગ્ર કોર્ટમાં હોબાળો મચી ગયો હતો. જેમાં લોકો સલામત સ્થળ માટે આમથી તેમ દોડવા લાગ્યા હતા.

(1:04 pm IST)