Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સંજય રાઉતે યુપીએમાં જોડાવાના આપ્યા સંકેત

કોંગ્રેસને મમતાએ આપેલા ઘાવ પર મલમપટ્ટી કરશે શિવસેના??

નવી દિલ્હી, તા.૯: શિવસેના સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે તેમણે એક મિટીંગમાં રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેમણે યુપીએને કોંગ્રેસના નેતૃત્વમાં પુનઃર્જીવીત કરવું જોઇએ. તેમણે ટીવી ચેનલ એનડીટીવીને આપેલ ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ હાલમાં જ કહ્યું હતું કે કોંગ્રેસમાં ના તો ક્ષમતા છે અને ના તો તેનું નેતૃત્વ વિપક્ષનું દિલ બની શકે છે. તેમણે કહ્યું હતું યુપીએ જેવું કંઇ છે જ નહીં. તેમણે આ વાત એનસીપી પ્રમુખ શરદ પવારની હાજરીમાં કરી હતી. શિવસેનાએ તેનો વિરોધ કરતા કહ્યું છે કે કોંગ્રેસ વિના કોઇ વિપક્ષી મોરચો ના બની શકે.

સંજય રાઉતે કહ્યું કે મેં રાહુલ ગાંધી સાથેની મીટીંગમાં એક ડગલું વધુ આગળ વધીને તેમને યુપીએને પુનઃર્જીવિત કરવાનો આગ્રહ કર્યો. તેમણે એ પણ સંકતે આપ્યો કે શિવસેના તેમાં સામેલ થઇ શકે છે.

શિવસેના સાંસદ રાઉતે કહ્યું, 'અમે ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં એક મીની-યુપીએ ચલાવી રહ્યા છીએ એટલે આપણે કેન્દ્રિય સ્તરે પણ આવી વ્યવસ્થા કરવી જોઇએ.' શિવસેના યુપીએમાં જોડાશે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, 'મેં રાહુલ ગાંધીને કહ્યું કે બધાને આમંત્રિત કરે. લોકો સામેથી નહીં આવે. લગ્ન અથવા અન્ય સમારંભમાં પણ આપણે આમંત્રણ આપવું પડે છે.' તેમણે કહ્યું કે આમંત્રણ આવવા દો પછી અમે તેના પર વિચાર કરશું.

(12:35 pm IST)