Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સ્પોટીફાય પર ધૂમ મચાવી રહી છે ઓડિયો નોવેલ 'ગેંગીસ્તાન'લેખક આશુ પટેલ અને એકટર દયાશંકર પાંડે સાથેની રસપ્રદ ગોષ્ઠી

પોસ્ટકાર્ડ લખવાની આદતથી જે મુંબઇ પહોંચી પત્રકાર બન્યા અને ખુબ મોટા લેખક બન્યા તેવા જામનગરના ગુજરાતી આશુ પટેલની નવલકથા સ્પોટીફાય પર ત્રીજા સ્થાને છે : 'અકિલા'ના ફેસબૂક પેજ પર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ 'ગુજરાત્રી'ના માધ્યમથી વિખ્યાત દિગ્દર્શક સંચાલક વિરલ રાચ્છના સંચાલનમાં 'લેટ્સ ટોક' શોમાં લેખક પત્રકાર આશુ પટેલ અને ખુબ જાણીતા એકટર દયાશંકર પાંડે ખીલી ઉઠ્યા : પોસ્ટકાર્ડ લખવાનું શરૂ કર્યુ અને મને પહેલી નોકરી અભિયાનમાં પત્રકાર તરીકે મળીઃ આશુ પટેલ : આશુ પટેલ સાથે મારી દોસ્તી નવ વર્ષથી છેઃ એમને મળ્યા પછી તેમની સાથે હાર્ટ ટુ હાર્ટ કનેકશન થઇ ગયું: દયાશંકર : વિખ્યાત સંચાલક-દિગ્દર્શક વિરલ રાચ્છે લેખક અને અભિનેતા સાથેની ગોષ્ઠીમાં સોૈને સતત એક કલાક સફર કરાવી : સંજય છેલે કહ્યું-ગુજરાતી શીખી લે તો નાટકોમાં કામ મળશે, આથી હું પડોશીઓ પાસેથી ગુજરાતી અખબારો લાવ્યો અને ગુજરાતી શીખ્યોઃ દયાશંકર પાંડે : ગેંગીસ્તાનને વિચાર ઓડિયો નોવેલ તરીકે લાવવાનો વિચાર મારી લેખક દીકરી હિરને આવ્યો હતો, એ સફળ રહ્યાની અત્યંત ખુશીઃ આશુ પટેલ

રાજકોટ તા. ૯: 'અકિલાન્યુઝ'ના ફેસબૂક લાઇવ પેજ પર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ 'ગુજરાત્રી'ના પ્રસ્તુત ફરી એક વખત ચાહકો, ભાવકોને આકર્ષતો શો 'લેટ્સ ટોક' માણવા મળ્યો છે. આ વખતે વિખ્યાત દિગ્દર્શક અને સંચાલક શ્રી વિરલ રાચ્છે 'અકિલા' વતિ આ ટોક શોમાં લેખન અને અભિનય ક્ષેત્રની બે વિભુતિઓને એક સાથે લાવી તેની સાથે રસપ્રદ ગોષ્ઠી કરી હતી. ગયા શનિવારે પ્રસારીત થયેલા આ ટોક શોમાં ખુબ જાણીતા પત્રકાર-લેખક-કોલમીસ્ટ આશુ પટેલ તથા નાટકો, હિન્દી ફિલ્મોના અભિનેતા દયાશંકર પાંડે સાથે તાજેતરમાં સ્પોટીફાય પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આશુ પટેલની ઓડિયો નોવેલ 'ગેંગીસ્તાન' વિશે તથા અન્ય જાણી-અજાણી બાબતોની રસપ્રદ ગોષ્ઠી થઇ હતી. આ ટોક શો આજે પણ ફેસબૂકના અકિલાન્યુઝ.કોમ પેજ પર માણી શકાય છે. આશુ પટેલના પત્રકારત્વના અનુભવોમાંથી સર્જાયેલ ગેંગીસ્તાન નામની ઓડિયો નોવેલએ સ્પોટીફાય પર ધૂમ મચાવી છે અને મિલીયન્સ ઓફ શો વચ્ચે એ ત્રીજા સ્થાન પર સતત શ્રોતાઓ વચ્ચે લોકપ્રિય થઇ રહી છે. ગુજરાતીઓ માટે આ ગોૈરવની વાત છે.

ગુજરાત્રીના માધ્યમથી અકિલાના ફેસબૂક પર રજૂ થયેલા લેટ્સ ટોક શોના આરંભે વિખ્યાત સંચાલક શ્રી વિરલ રાચ્છે સોૈનુ અભિવાદન કર્યુ હતું. પ્રારંભે પત્રકાર-લેખક આશુ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત કઇ રીતે થઇ તેની વાત કરી હતી.   આશુ પટેલ મુળ જામનગરના જામ સખપુરના વતની છે. તેણે કહ્યું કે મને નાનપણમાં પોસ્ટકાર્ડ લખવાની આદત હતી. એ વખતે એક પોસ્ટ કાર્ડ કાંતિ ભટ્ટને મળતાં તેમણે મને કહેલું કે તારી ભાષા સારી છે, તુ પત્રકાર બની શકે તેમ છે. ત્યાર પછી હું પોસ્ટકાર્ડ લઇને મુંબઇ પહોંચી ગયો હતો અને અભીયાનમાં મને પત્રકાર તરીકે પહેલી નોકરી મળી ગઇ હતી. આશુ પટેલે અનેક ગુજરાતી નવલકથાઓ આપી છે. અખબારોમાં પણ હપ્તાવાઇઝ તેમની અનેક સુપ્રસિધ્ધ નવલકથાઓ રિલીઝ થઇ ચુકી છે અને થઇ રહી છે. સોૈથી વધુ પ્રસિધ્ધ થયેલી તેમની નવલકથાઓમાં ક્રાઇમને લગતી કથાઓ વધુ છે. આશુ પટેલનો એક ઓડિયો શો હાલમાં જ વેબ પ્લેટફોર્મ સ્પોટીફાય પર રિલીઝ થયો છે.

આ શોમાં આશુ પટેલનું પાત્ર પ્રતિક ગાંધીએ ભજવ્યું છે (અવાજ આપ્યો છે), જ્યારે સંયામી ખેરે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનું શિવાની સાવંત અને દયાશંકાર પાંડેએ ગેંગસ્ટર પપ્પુ ટકલાનું પાત્ર ભજવ્યું છે. આ ત્રણેયએ આશુની ઓડિયો નોવેલમાં મુખ્ય પાત્ર પોતાના અવાજ થકી ભજવ્યા છે.

અભિનેતા દયાશંકર પાંડે કે જે મુળ યુપીના છે પણ તેમનો જન્મ મુંબઇમાં થયો છે અને પોતાના પરિશ્રમથી અલગ જ અભિનય ક્ષમતાથી નામના મેળવી છે અને લોકો તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઇન્સ્પેકટર ચાલુ પાંડે, તેમના શનિદેવના પાત્રથી વધુ ઓળખે છે.  વિરલ રાચ્છના એક સવાલના જવાબમાં દયાશંકર પાંડેએ કહ્યું-હું આભારી છું કે તમે મને અકિલાના પ્લેટફોર્મ પર બોલાવ્યો. હું ગુજરાતી વાંચી પણ શકુ છું. હું ભાગ્યશાળી છું કે નાનપણથી મારા બધા પડોશી ગુજરાતી હતો. હું સંજય છેલનો આભારી છું. હું કોલેજમાં હતો ત્યારે એકટીંગ કરતો ત્યારે સંજય છેલ ડિરેકટર હતાં. આસીત મોદી અને રૂપલ પટેલ હતાં. તીન બંદર નામનું નાટકમાં મારો નાનકડો રોલ હતો. મારી બે જ ગુજરાતી લાઇન હતી. આસીતે મને કહેલું કે આ રોલ કરી દે. સંજય છેલે કહ્યું કે તું ગુજરાતી શીખી લે તો તને ગુજરાતી નાટક દ્વારા પાંચસો છસ્સો મળતા થઇ જશે.  જેથી મેં બાજુના પડોશીઓના ગુજરાતી અખબારો લાવી તેમાંથી મોટા અક્ષરો કાઢીને ગુજરાતી વાંચતા શીખ્યું હતું. મને આજે પણ ઘણા લોકો ગુજરાતી સમજે છે. હું થિએટરમાં કામ કરતો હતો. મનોજ શાહ, દિલીપભાઇ, આસિતભાઇ બધા સાથે સંપર્કમાં છું. આશુભાઇ પટેલ સાથેની દોસ્તી નવ વર્ષ પહેલાથી શરૂ થઇ હતી.

આશુભાઇ સાથે મારું હાર્ટ ટુ હાર્ટ કનેકશન થઇ ગયું. હું મારી પર્સનલ વાતો પણ તેની સાથે કરવા માંડ્યો હતો. પછી હું આશુભાઇના ગામડે પણ ગયો હતો. મોરબીમાં એક શોમાં પણ ભાગ લીધો હતો. અત્યાર સુધી તમે નાટક કે ફિલ્મોમાં અભિનય કર્યો હોય એ અલગ પ્લેટફોર્મ હોય છે. પણ ગેંગીસ્તાનમાં મને ઓડિયો પાત્ર અપાયું ત્યારે પહેલા તો મને થયું કે આ મારાથી નહિ થાય. પણ આશુ અને લેખક હિર તથા દિગ્દર્શક સિધ્ધાંતે મારા પર વિશ્વાસ મુકયો અને આજે આ ઓડિયો નોવેલ સ્પોટીફાય પર ત્રીજા સ્થાને છે એ જાણીને હું ખુશ છું.

આશુ પટેલને ગેંગીસ્તાન માટે સ્પોટીફાઇ પ્લેટફોર્મ એકસપ્લોર કરવું એ વિચાર કઇ રીતે આવ્યો? એવું વિરલ રાચ્છે પુછતાં આશુ પટેલે કહ્યું કે-હિર ખાંટના શો અગાઉ પણ સ્પોટીફાઇ પર રજૂ થઇ ચુકયા છે. થયેલા. ઓફસ્પીન મીડીયા તો બાર વર્ષથી ઓડિયો શોમાં કાર્યરત છે. સિધ્ધાંત અને હિર ખાંટ વચ્ચે વાત થઇ. તેમણે અન્ડરવર્લ્ડ પર કંઇક કરવું જોઇએ એવી વાત કરી એ પછી હિરે મને વાત કરી અને હું તૈયાર થઇ ગયો. આજે મિલીયન્સ શો વચ્ચે અમારી ઓડિયો નોવેલ સ્પોટીફાઇ પર ત્રીજા ક્રમે છે એ અમારા માટે મોટી સફળતા છે.

ટોક શો આગળ વધારતાં વિરલ રાચ્છે પુછેલા એક સવાલના જવાબમાં અભિનેતા દયાશંકર પાંડેએ ખુબ જ રસપ્રદ વાતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે મારે એકટર બનવું છે એવું સ્કૂલના સમયથી નક્કી કરી લીધુ હતું. એ વખતે રવિવારે સાંજે દૂરદર્શન પર ફિલ્મ દર્શાવાતી હતી. એ જોવાની ઉત્સુકતા રહેતી હતી. જેની ઘરે ટીવી હોય એ અમારી સાથે ક્રિકેટ રમવા આવે ત્યારે અમે એને ધીમો બોલ નાખતા જેથી એ સિકસ મારે, ખુશ થાય અને અમને રવિવારે ફિલ્મ જોવા દે. એની બોલીંગમાં પણ અમે આઉટ થઇ તેને ખુશ રાખતાં. આથી અમને રવિવારે તેના ઘરે ટીવી પર ફિલ્મ જોવામાં તકલીફ ન પડે.

રવિવારની ફિલ્મો જોવાની શરૂઆત જ મને એકટર બનવા તરફ ખેંચી લાવી હતી. એ સિનેમા સાથે જોડાવાનું માધ્યમ હતું. રાજેશ ખન્ના, દિલીપ કુમારની ફિલ્મો જોતો. એ પછી ઘરના નાનકડા રૂમના અરીસામાં જોઇને હું પણ એકટર બની શકું તેવું વિચારી લેતો હતો. એ પછી કોલેજમાં આવીને મેં નાટકોમાં ભાગ લીધું. એનએસડીમાં જવાની ઇચ્છા હતી. પણ ઘરની હાલત સારી નહોતી. ૮૯માં કોલેજ પુરી કરી ત્યારે ડીડી-૧ અને સિનેમામાં જવા અમારા ફોટા લઇને દોડતા રહેતાં હતાં. ઠેકઠેકાણે અમે ફોટો લઇને ઓફિસે ઓફિસે ફરતાં. એ વખતે આઠ રૂપિયાનો ફોટો આવતો. એ પછી કેમેરામેન જ્ઞાન સહાયનો આસિસ્ટન્ટ બન્યો. જેમાં આસીત મોદી એકઝી. પ્રોડ્યુસર હતાં. પછી હું નાના રોલ કરતો હતો. આસિત મોદીએ પહેલા નશામાં નાનો રોલ આપ્યો. પણ હું તેમાં ઓળખાયો પણ નહિ. મારી પણ પહેલી અને આસિતની પણ પહેલી ફિલ્મ હતી. સઇ પરાંજપેની પપીહામાં રોલ મળ્યો. એ પછી ગુલામ કોમર્શિયલ હિટ મળી.

સ્ટ્રગલ કરતો રહ્યો અને સફળતા મળતી રહી. ગુલામ પછી ૨૦૦૦માં લગાન મળી પછી સારા એકટરમાં ગણતરી થવા માંડી. પણ હું સારો એકટર હતો જ. સમય સાથે રોલ ન મળે તો પછી તકલીફ પડતી હોય છે. આપણને જે મળે એમાં સંતોષ રાખવો જોઇએ. ટીવી શો શનીદેવનો રોલ મળ્યો. મને એ રોલે ખુબ શીખવ્યું. મારી જિંદગીની ફિલોસોફી બદલાઇ. આ રોલે મને શીખવ્યું કે તમે કદી કોઇનું ખરાબ ન કરો. આજે પણ લોકો મને શનીદેવના રૂપમાં જૂએ છે. વડોદરામાં શુટીંગ ચાર વર્ષ ચાલ્યું હતું. પ્યારેલાલ આ સિરીયલના સંગીત ડિરેકટર છે. પ્યારેલાલ એક વખત ફોન કર્યો કે શનીદેવને મળવું છે. મેં ખુબ શ્રધ્ધા સાથે શનીદેવનો રોલ કર્યો હતો. જેના મને ફળ પણ મળ્યા છે.

આ શો પછીથી તેલુગુ, બંગાલીમાં પણ  રિપીટ ટેલીકાસ્ટ થાય છે. પણ લોકો મને શનિદેવના રૂપમાં જૂએ એના કરતાં એકટર તરીકે ઓળખે એ વધુ યોગ્ય લાગે છે. લગાન પછી મને સ્વદેશમાં રોલ મળ્યો.  મેલારામના રોલ માટે મેં વાળ વધાર્યા હતાં. એ રોલ પડકારરૂપ હતો. આજે પણ એ રોલના ફિડબેક મળે છે. ગંગાજલ, વેલકમ ટુ સજ્જનપર...આ ફિલ્મો ખુબ સારી છે. મારા મર્યા પછી લોકો તેને યાદીગીરી ગણી શકશે. ભાગ્યથી જ તમને સારી સ્ક્રીપ્ટ, સારા રોલ, સારી ફિલ્મ મળે છે. મને મારા ભાગનું ભગવાને આપી દીધુ  છે.  પણ એક વાત ચોક્કસ છે કે માતા-પિતાના આશીર્વાદ વગર કંઇ ન થાય. હું ટ્રેઇન્ડ એકટર નથી. જે જોઉ છું એ દુનિયાને આપુ છું. મારી કોઇ દર્દનાક સ્ટ્રગલની કહાની નથી.

મેં કદી માઇક પર કદી કામ નહોતું કર્યુ. પણ આશુએ મને ગેંગીસ્તાન માટે તૈયાર કર્યો. પહેલા તો હું ખુબ ડરતો હતો આ ઓડિયો શોમાં કામ કરવાથી. પણ આજે આ શો ખુબ સફળ છે એની ખુશી છે.

વિરલ રાચ્છે બાદમાં લેખક-પત્રકાર આશુભાઇ પટેલને પુછ્યું કે તમે અન્ડરવર્લ્ડનું કેમ આટલુ બધુ લખ્યું? તેના જવાબમાં આશુભાઇએ કહ્યું કે-મારી બાવન જેટલી બૂકમાં સાત બૂક જ અન્ડરવર્લ્ડ પર છે. પણ અખબારોમાં ધ ડોન, મિસીસ માફીયા, વિષચક્ર એ બધુ લોકોને ખુબ ગમ્યું છુ. અન્ડરવર્લ્ડ પર ક્રાઇમ જર્નાલિઝમ કર્યુ છે. એના રિપોર્ટીંગના મારા અનુભવ અને એ વાતો પણ હું મારા લેખનમાં આવરી લેતો હોઉ છું. ચાલે છે. આશુ પટેલ અને પપ્પુ ટકલાના રિલેશન પણ છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ શિવાની સાવંત પણ તેમાં એક છે. પાંડેજી, પ્રતિક અને સયામીએ પાત્રોને ખુબ જબરદસ્ત રીતે નિભાવ્યા છે. આમાં ખુબ જ સખ્ત મહેનત કરવામાં આવી છે.

અંતમાં આશુ પટેલે જણાવ્યું હતું કે તેમની એક ગુજરાતી ફિલ્મ હલકી ફુલકી પણ આવી રહી છે. આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ પડશે. નેહા મહેતા, માનસી જોષી સહિતની મુખ્ય ભુમિકા છે.

આજના સમયમાં કલાએ આપણને જીવતા રાખ્યા છે, બે વર્ષ બધા ઘરમાં જ રહીને ઓનલાઇન શો, ગીતો, ફિલ્મો, સિરીઝ જોઇ રહ્યા હતાં. કલાનું લોકોના જીવનમાં શું મહત્વ છે? એવા વિરલ રાચ્છના સવાલનો જવાબ આપતાં દયાશંકર પાંડેએ કહ્યું હતું કે-આપણે છેલ્લા બે વર્ષમાં અનેક મિત્રોને ખોઇ ચુકયા છે, એ સમયમાં મેં માતા પણ ગુમાવ્યા છે. લોકો ડરેલા છે અને જાગૃત પણ બન્યા છે.  પણ પ્રભુની કૃપા છે કે લોકોને ડરાવે છે અને આગળ વધવા પ્રેરણા પણ આપે છે. છેલ્લા બે વર્ષમાં આપણે સોૈ વિખેરાઇ ગયા હતાં. એ સમયમાં એક બીજાના દુઃખને સમજવાનો, જાણવાનો પ્રયાસ કર્યો છે. કોવિડે માણસને માણસ સાથે જોડી દીધો હતો. ભલે આપણે બધાને ઓળખતા ન હોઇએ બીજાનું દુઃખ બીજો માણસ અનુભવતો હતો. માણસાઇ જાગૃત થઇ હતી. બીજાનું દુઃખ દર્દ સમજવાનો  સારા બનવાનો દરેક માણસે પ્રયાસ કરવો જોઇએ.

લેટ્સ ટોક શોના અંતમાં વિરલ રાચ્છે ટીમ ગુજરાત્રીના કર્તાહર્તા શ્રી નિમીષભાઇ ગણાત્રા, હિરેન સુબા અને મિલીન્દ ગઢવી વતી તેમજ ટીમ અકિલાના શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા વતી આભાર વ્યકત કર્યો હતો.

(11:47 am IST)