Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

એ હેલિકોપ્ટર...કે જેને હરાવવાની તાકાત દુશ્મનમાં પણ નથી, તો પછી ક્રેશ કેવી રીતે થઈ ગયું ?

જનરલ બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે કોઈ જૂની પેઢીનું હેલિકોપ્ટર નથી : આજના સમયમાં દુનિયાના ૬૦ દેશ આ સિરીઝના ૧૨ હજારથી વધુ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે

નવી દિલ્હી તા. ૯ : બુધવારે દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થઈ ગયું. જનરલ બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે કોઈ જૂની પેઢીનું હેલિકોપ્ટર નથી. આજના સમયમાં દુનિયાના ૬૦ દેશ આ સિરીઝના ૧૨ હજારથી વધુ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. જેમાં ચીન, શ્રીલંકા અને ઈન્ડોનેશિયા જેવા દેશ પણ છે. કારણ કે તેની ગણતરી દુનિયાના સૌથી એડવાન્સ્ડ હેલિકોપ્ટરમાં થાય છે.

વધુમાં વધુ ૨૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડનારૃં આ હેલિકોપ્ટર કપરી પરિસ્થિતિ અને ખરાબ હવામાનમાં પણ ઓપરેટ કરી શકે છે. તેના લેન્ડિંગ માટે હેલિપેડની જરૂર પડતી નથી. આ ખાડા ટેકરાવાળી જગ્યાએ પણ સરળતાથી ઉતરાણ કરી શકે છે તથા મદદ પહોંચાડી શકે છે. તેનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન, રેસ્કયૂ ઓપરેશન, સર્ચ અભિયાન અને VVIP લોકોને લાવવા લઈ જવા માટે થાય છે અને તેમાં એકવારમાં ૩ ક્રૂ મેમ્બર ઉપરાંત ૬ લોકો બેસી શકે છે. આ ઉપરાંત આ હેલિકોપ્ટર વધુમાં વધુ ૧૩ હજાર કિલોગ્રામનું વજન ઉઠાવી શકે છે.

સરળ શબ્દોમાં સમજીએ તો આ હેલિકોપ્ટર એટલું આધુનિક છે કે તેનો ઉપયોગ આંખ બંધ કરીને થઈ શકે છે અને આમ થતું પણ હોય છે. પ્રધાનમંત્રી મોદી પણ ઘરેલુ ઉડાણ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સેનામાં પણ VVIP મૂવમેન્ટ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. રશિયન બનાવટના MI સિરીઝના ૧૫૦ હેલિકોપ્ટર હાલ ભારત પાસે છે અને આ હેલિકોપ્ટર વધુ જૂના નથી. ભારતને ૨૦૧૧થી ૨૦૧૮ બાદ આ તમામ હેલિકોપ્ટર મળેલા છે. પરંતુ વિચારો કે આ કેટલું અપમાનનો વિષય છે કે ભારતના ઈતિહાસના પહેલા CDS નું તેમના જ હેલિકોપ્ટરમાં મૃત્યુ થઈ જાય છે.

વર્ષ ૧૯૪૮થી ૨૦૨૧ વચ્ચે એટલે કે છેલ્લા ૭૩ વર્ષમાં સેનાના ૧૭૫૧ એરક્રાફટ્સ અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ચૂકયા છે. એટલે કે એ હિસાબે દર વર્ષે સરેરાશ ૨૪ અને દર મહિને સેનાના ૨ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય છે. જો વાત ફકત વર્ષ ૧૯૯૪થી ૨૦૧૪ વચ્ચેની કરીએ તો આ દરમિયાન ભારતીય સેનાના ૩૯૪ એરક્રાફટ્સ અને હેલિકોપ્ટર ક્રેશ થયા છે. એટલે કે આ દરમિયાન દર વર્ષે સરેરાશ ૨૦ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા.

તેનો અર્થ એ થયો કે ભારતમાં વિમાન ક્રેશ થવાનો સિલસિલો હજુ પણ બદલાયો નથી. આઝાદી બાદ શરૂઆતી વર્ષોમાં પણ આ પ્રકારે સેનાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા હતા અને હવે આધુનિકતાના દૌરમાં પણ આ દુર્ઘટનાઓ ઘટવાનું નામ લેતી નથી. જયારે બીજા દેશોમાં આવું નથી. દાખલા તરીકે ભારત, રશિયા, ચીન ત્રણેય દેશો સુખોઈ ફાઈટર વિમાનો વાપરે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભારતમાં વર્ષ ૨૦૦૯થી ૨૦૧૫ વચ્ચે આ વિમાન ૬ વાર ક્રેશ થયું. જયારે આ જ સમયગાળામાં રશિયા અને ચીનમાં આ વિમાનના ક્રેશ થવાની ૧ કે ૨ ઘટનાઓ જ સામે આવી. જયારે આ દેશો પાસે ભારત કરતા વધુ સુખોઈ ફાઈટર વિમાનો છે.

થોડા વર્ષો પહેલા ભારતે દુનિયાનો સૌથી આધુનિક અને સૌથી મોટું ટ્રાન્સપોર્ટ વિમાન C130-J સુપર હરકયુલ્સ ખરીદ્યુ હતું. તે સમયે અમેરિકા પાસેથી આવા ૬ વિમાન ખરીદવામાં આવ્યા હતા. જેની કિંમત ૭ હજાર કરોડ રૂપિયા હતી. એટલે કે એક વિમાન લગભગ ૧૧૫૦ કરોડ રૂપિયાનું હતું. આ વિમાનોની ખાસિયત એ હતી કે તેને લેન્ડિંગ માટે એરસ્ટ્રિપની જરૂર પડતી નથી અને તે દરેક મોસમમાં ઓપરેટ કરી શકાય છે. અમેરિકાની જે કંપનીએ આ વિમાનને બનાવ્યું તે કહે છે કે આ વિમાનને એ રીતે ડિઝાઈન કરાયું છે જેથી કરીને મુશ્કેલ સમયમાં પણ ક્રેશ થવાથી પોતાને બચાવી શકે અને ભારતને બાદ કરતા જે દેશોમાં આ એરક્રાફટનો ઉપયોગ થાય છે ત્યાં તેના ક્રેશ થવાની કોઈ ઘટના સામે આવી નથી. પરંતુ ભારતના મામલામાં તસવીર અલગ છે. ભારતમાં વર્ષ ૨૦૧૪માં જ એક C-130J સુપર હરકયુલ્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા અને ભારત સરકારે પોતાના તપાસ રિપોર્ટમાં સ્વીકાર્યું હતું કે આ અકસ્માત પાઈલટની ભૂલના કારણે થયો હતો. કારણ કે તેની ટ્રેનિંગમાં થોડી કમી હતી. વર્ષ ૨૦૧૭માં પણ આ સિરીઝનું એક વધુ વિમાન ગડબડીના કારણે લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. વિચારો કે જે વિમાન અન્ય કોઈ દેશમાં ક્રેશ ન થયું તે ભારતમાં ક્રેશ થયું.

ભારતમાં પ્રતિદિન ૪ થી ૫ હજાર મુસાફર વિમાન ઉડાન ભરે છે. જેમાં લાખો મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાયછે. જયારે એક અંદાજ મુજબ સેનામાં પ્રતિ દિવસ ટ્રેનિંગ અને અન્ય કામો માટે ફકત ૨૦૦ વિમાન જ ઉડાણ ભરે છે. જો કે આ સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે. પરંતુ આમ છતાં મુસાફર વિમાનોની સરખામણીમાં સેનાના વિમાન વધુ ક્રેશ થાય છે. વર્ષ ૧૯૪૫થી ૨૦૨૧ વચ્ચે છેલ્લા ૭૬ વર્ષોમાં ૯૫ મુસાફર વિમાનો જ ક્રેશ થયા છે. જયારે આ જ સમયગાળામાં સેનાના ૧૭૫૧ વિમાન ક્રેશ થયા છે.

(10:12 am IST)