Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઓમીક્રોનની દહેશત વચ્ચે વધી બુસ્ટર ડોઝની માંગ

ત્રીજો ડોઝ લેવા વિદેશ જાય છે પૈસાદાર ભારતીયો

નવી દિલ્હી તા. ૯ : અમેરિકામાં કોરોનાના નવા વેરીયેન્ટ ઓમીક્રોનના ભયથી બુસ્ટર ડોઝ લગાવનારાઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. અમેરિકામાં ગયા અઠવાડિયે ૭૦ લાખ લોકોએ બુસ્ટર ડોઝ લગાવ્યો. ઓમીક્રોનનો પહેલો કેસ આવ્યા પછી ગત ૨૫ નવેમ્બરથી રોજ લગભગ ૧૦ લાખ અમેરિકન નાગરિકો બુસ્ટર ડોઝ લગાવી રહ્યા છે. આ દર તે પહેલાની સરખામણીમાં ૧૨.૫ ટકા વધારે છે.

ઓમીક્રોન જાહેર થયાપહેલા બ્રિટનમાં બુસ્ટર ડોઝની માંગ ઓછી હતી પણ હવે તે વધી ગઇ છે. બ્રિટને બધા વયસ્કો માટે બુસ્ટર ડોઝની પરવાનગી તો આપી દીધી છે પણ લાખો લોકોને તેની રાહ જોવી પડે છે. બ્રિટનમાં અત્યારે ૪૦ થી ૪૯ વર્ષની ઉંમરવાળાઓ માટે બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચે ૬ મહિનાનો સમયગાળો રાખવાનો નિયમ છે. આવી જ રીતે ૩૦ થી ૩૯ વર્ષની વયનાઓને ક્રિસમસ પછી અને ૧૮ થી ૨૯ વર્ષના લોકોને જાન્યુઆરી પછી બુસ્ટર ડોઝ મળશે. અત્યાર સુધીમાં બન્ને રસી મુકાવી ચૂકેલ બે કરોડ લોકોને બુસ્ટર ડોઝ લાગી ચૂકયો છે.

ઓમીક્રોનની ગતિને ધ્યાનમાં રાખીને જાપાને પોતાના આરોગ્યકર્મી અને ડોકટરોને બુધવારથી બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. જાપાનમાં અત્યારે બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચે આઠ ગાળાનો સમય રાખવો જરૂરી છે પ હવે સરકાર આ સમયગાળો ઘટાડવા વિચારી રહી છે.

તો ભારતમાં સરકાર તરફથી હજુ સુધી પરવાનગી ના મળવાના કારણે અમીર ભારતીયો અમેરિકા, બ્રિટન અને દુબઇ જઇને બુસ્ટર ડોઝ લગાવી રહ્યા છે. ભારતમાં ઓમીક્રોનના ખતરા સામે લડવા માટે બુસ્ટર ડોઝની માંગ જોર પકડી રહી છે.

મહારાષ્ટ્રના ઘણાં પ્રધાનો સહિત ઇન્ડીયન મેડીકલ એસોસીએશન પહેલા જ કેન્દ્ર સરકારને પત્ર લખીને બધા આરોગ્ય કર્મીઓને બુસ્ટર ડોઝ આપવાની માંગણી કરી ચૂકયું છે. આઇએમએ પૂણેના ડો. સંજય પાટીલ અનુસાર, અત્યાર સુધીના અભ્યાસથી જાણવા મળ્યું છે કે, અમુક સમય પછી રસીની અસર બહુ ઓછી થઇ જાય છે.

(10:10 am IST)