Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

બિપિન રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર શુક્રવારે દિલ્હીમાં કરાશે

સાંજે સૈન્ય વિમાનથી બિપિન રાવત અને તેમના પત્નીના નશ્વર દેહને દિલ્હી લવાશે : શુક્રવારે સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે : દિલ્હી કેન્ટોન્ટમેન્ટના બ્રાર સ્કવેર સ્મશાનઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરાશે

નવી દિલ્હી,તા. ૯ : ગત કાલેનો દિવસ ભારત માટે ગોઝારો સાબિત થયો. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. બિપિન રાવતની સાથે તેમના પત્ની અને ૧૧ લોકોનાં મોત નિપજયા હતા. બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકાતૂર બની ગયો છે. જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકાના અંતિમ સંસ્કાર શુક્રવારે દિલ્હીમાં કરવામાં આવશે.

વિલિંગટનમાં આવેલ ડિફેન્સ સ્ટાફ કોલેજમાં જવા માટે સુલુર આઈએએફ બેઝ પરથી એમઆઈ ૧૭ હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. જેમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત ૧૪ લોકો સવાર હતા. તમિલનાડુના નિલગીરી જિલ્લામાં કુન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં જ પ્રચંડ ધડાકો થયો હતો અને હેલિકોપ્ટર આગની ચપેટમાં આવી ગયું હતું. આ દર્ઘટનામાં બિપિન રાવત સહિત તેમનાં પત્ની મધુલિકાનું દુઃખદ નિધન થયું હતું.

શુક્રવારે દિલ્હીના કેન્ટોન્મેન્ટ ખાતે જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મિલિટરીના પ્લેન દ્વારા તેમના નશ્વર દેહ દિલ્હી ખાતે ગુરુવારની સાંજ સુધીમાં પહોંચી જશે તેવી શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. જે બાદ શુક્રવારે જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના નશ્વર દેહને બિપિન રાવતના ઘરે લાવવામાં આવશે અને સવારે ૧૧થી બપોરના ૨ વાગ્યા સુધી લોકો અંતિમ દર્શન કરી શકશે. અંતિમ ક્રિયા કામરાજ માર્ગથી શરૂ થશે અને દિલ્હી કેન્ટોન્મેન્ટમાં આવેલાં બ્રાર સ્કવેર સ્મશાન ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

CDS જનરલ બિપિન રાવતનો જન્મ ૧૬ માર્ચ ૧૯૫૮માં થયો હતો. તેઓ ડિસેમ્બર ૧૯૭૮માં સેનાની ૧૧મી ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનના કમીશન ઓફિસર બન્યા હતા. તેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૧૬થી આર્મી ચીફ પણ રહ્યા. તેમને એલઓસી, કાશ્મીર અને પૂર્વ ઉત્ત્।રમાં કામકાજનો અનુભવ હતો. CDS તરીકે નિમણૂક પામ્યા પહેલા જનરલ બિપિન રાવત ૨૭માં આર્મી ચીફ હતા. આ પહેલા તેઓને ૧ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય સેનાના ઉપ સેના પ્રમુખ નિયુકત કરવામાં આવ્યા હતા.

(10:08 am IST)