Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રિઝવીનું માથું કાપી લાવનારને ૨૫ લાખના ઈનામની જાહેરાત

વકફના પૂર્વ ચેરમેન હિંદુ ધર્મ અંગિકાર કરતા ચર્ચામાં : તેલંગાણા કોંગ્રેસના નેતા રશિદ ખાન નિવેદન પર અડગ, રિઝવીએ ઈસ્લામ પર ખોટી નિવેદનબાજી કર્યાનો આક્ષેપ

નવી દિલ્હી, તા.૮ : શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી તાજેતરમાં હિન્દુ ધર્મ અંગીકાર કરીને ચર્ચામાં આવ્યા છે.

આ પહેલા તેઓ ઈસ્લામ અંગે વિવાદિત નિવેદનો કરી ચુકયા છે.જેના પગલે તેલંગાણા કોંગ્રેસના નેતા રશિદ ખાને વસીમ રિઝવીનુ માથુ કાપીને લાવનારને ૨૫ લાખ રુપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે.

આ પ્રકારની જાહેરાતના પગલે વિવાદ પણ સર્જાયો છે.જોકે રશિદ ખાન પોતાના નિવેદન પર કાયમ છે અને કહ્યુ છે કે,  રિઝવીએ ઈસ્લામ પર ખોટી નિવેદન બાજી કરી છે.હું હિન્દુસ્તાનના દરેક ધર્મનુ સન્માન કરુ છું.જો કોઈએ ભગવાન રામ પર આવા નિવેદન આપ્યા હોત તો તે સહન કરી લેવાત?

તેમણે કહ્યુ હતુ કે, રિઝવી જેવા લોકો ધર્મના નામ પર ઝેર ઓકી રહ્યા છે અને રિઝવીને પાઠ ભણાવવાની જરુર છે.

ઉલ્લેખનીય છે કે, રિઝવીએ સોમવારે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને મંદિરના પૂજારી યતિ નરસિંહાનંદ સરસ્વતીએ તેમને જિતેન્દ્ર ત્યાગી નામથી ઓળખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

દરમિયાન રશિદ ખાને કહ્યુ હતુ કે, જો કોઈ વ્યક્તિ અમારા ધર્મ પર ખોટા નિવેદન આપશે તો સાચો મુસલમાન કોઈનો પણ જીવ લઈ શકે છે.આઠ મહિના પહેલા રિઝવીના માથા પર ૨૫ લાખનુ જે ઈનામ મેં જાહેર કર્યુ હતુ તે નિવેદન પર હું આજે પણ કાયમ છું.

(12:00 am IST)