Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વર્લ્ડ એલપીજી એસો.ના અધ્યક્ષ તરીકે વૈદ્ય ચૂંટાયા

દુબઈમાં વર્લ્ડ એલપીજી ફોરમ ૨૦૨૧નું આયોજન : પેરિસમાં મુખ્યમથક ધરાવતું ડબલ્યુએલપીજીએ ૩૦૦થી વધુ સભ્યોના વૈશ્વિક એલપીજી નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે

દુબઈ, તા.૮ : દુબઈમાં યોજાઈ રહેલા વર્લ્ડ એલપીજી ફોરમ ૨૦૨૧ દરમિયાન વર્લ્ડ એલપીજી એસોસિયેશનની સામાન્ય સભા (ડબલ્યુએલપીજીએ)એ ઈન્ડિયન ઓઈલના ચેરમેન એમ.એસ. વૈદ્યને અધ્યક્ષ તરીકે ચૂંટવા માટે એકમતે ઠરાવ પસાર કર્યો હતો.

પેરિસમાં મુખ્યમથક ધરાવતું ડબલ્યુએલપીજીએ ૩૦૦થી વધુ સભ્યોના વૈશ્વિક એલપીજી નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે અને તે ૧૨૫થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. એસોસિયેશનનો મુખ્ય હેતુ એલપીજીની પ્રીમિયમ માગને વેગ દ્વારા આ ક્ષેત્રના મૂલ્યમાં વધારો કરવાનો તથા કારોબારને અને સુરક્ષિત કાર્યપદ્ધતિને પ્રોત્સાહન આપવાનો છે. ડબલ્યુએલપીજીએની ટીમને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઈન્ડસ્ટ્રી કાઉન્સિલનો સહયોગ પ્રાપ્ત છે. ડબલ્યુએલપીજીએના બોર્ડમાં અધ્યક્ષ, ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ, ખજાનચી, ત્રણ વાઈસ પ્રેસિડેન્ટ્સ તથા પાંચની મર્યાદામાં બોર્ડ મેમ્બર્સનો સમાવેશ થાય છે.

            ઈન્ડિયન ઓઈલએ વર્લ્ડ એલપીજી એસોસિયેશન (માપદંડઃ વાર્ષિક એલપીજીના વેચાણનો જથ્થો  । ૭૦૦ ટીએમટી)નું 'એ' કેટેગરીનું સભ્ય હોવા ઉપરાંત ઈન્ડસ્ટ્રી કાઉન્સિલનું સભ્ય છે.  ડબલ્યુએલપીજીએના અધ્યક્ષ તરીકે પોતાની નિમણૂક અંગે બોલતાં ઈન્ડિયન ઓઈલના ચેરમેન એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે એલપીજીના વપરાશમાં થયેલાં વધારાને કારણે વિશ્વના લાખો લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ઊર્જા પરિવર્તન માટેના આપણાં પ્રયાસોને આપણે જ્યારે વધુ વેગવાન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ ત્યારે આ સ્વચ્છ ઈંધણની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેશે. ભારતની ટોચની ઊર્જા કંપનીના વડા તરીકેના મારા વ્યાપક અનુભવની મદદથી હું ડબલ્યુએલપીજીએના વિઝનને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છું. ભારતમાં હાંસલ કરેલા મારા સમૃદ્ધ અનુભવ પરથી હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છંો કે સમગ્ર વિશ્વ માટે સાતત્યપૂર્ણ અને પર્યાવરણલક્ષી ઊર્જાનું ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં વર્લ્ડ એલપીજી એસોસિયેશન ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

(12:00 am IST)