Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અભૂતપૂર્વ યાદશકિત

હૈદ્રાબાદના પોણા બે વર્ષના ટાબરિયાને જે દેખાડો તે બધુ જ યાદ રહી જાય

રંગો-જાનવરો-ઘરેલુ ઉપકરણો વગેરે યાદ રહી જાય : વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત

હૈદ્રાબાદ,તા.૯:હૈદરાબાદમાં રહેતા આદિથ વિશ્વનાથ ગૌરીશેટ્ટીએ અસાધારણ યાદશકિતને કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. આદિથને નામે પાંચ પુસ્તકોમાં વિશ્વવિક્રમ નોંધાયા છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને તેલુગુ બુક ઓફ રેકોડ્સ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની અન્ય બે બુક ઓફ રેકોડ્સમાં આદિથની અસાધારણ યાદશકિતની નોંધ લેવાઈ છે. હજી તો પૂરાં બે વર્ષનો પણ નથી થયો. હાલમાં એક વર્ષ અને ૯ મહિનાની ઉંમર ધરાવતા આદિથની મેમરી એટલી વિચક્ષણ છે કે તેને એક વાર કશુંક દેખાડો એટલે એ તેને યાદ રહી જાય છે. તે અનેક દેશોના ધ્વજ, રંગો, જંગલી-શહેરી પશુઓ, ફળો, આકાર, જાણીતી વ્યકિતઓ, કારના લોગો, અંગ્રેજી અક્ષરો પણ એ ક્ષણવારમાં પારખી લઈ શકે છે.

આદિથની મમ્મી સ્નેહિતા કહે છે કે ' જ ઉંમરમાં બાળકો હાલરડાં, જોડકણાં કે શિશુગીતો ગોખવાની મહેનત કરતાં હોય એ ઉંમરે આદિથ અનેક પ્રકારના રંગ, પશુઓ, ધ્વજો, ફળો, આકારો અને ઈલેકટ્રોનિક હોમ અપ્લાયન્સિસને તસવીરોમાં સત્વર ઓળખી લેતો હતો, આદિથ દેવી-દેવતાઓ, કાર લોગો, ઇંગ્લિશ આલ્ફાબેટ્સ, શરીરનાં અંગો અને બીજી અનેક બાબતો ક્ષણવારમાં ઓળખી લે છે. તેની યાદશકિત અને બૌદ્ઘિક પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ ગણાઈ છે. ન્યુઝ-એજન્સી એએનઆઇએ આદિથની પપ્પા-મમ્મી સાથેની તસવીર સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શેર કરી છે.

(11:20 am IST)