Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કંગના આજે મુંબઇમાં કરશે એન્ટ્રી : કહ્યું -ન ડરીશ, ન ઝુકીશ

રાણી લક્ષ્મીબાઇના પગલે જ ચાલીશ : ખોટા વિરૂધ્ધ અવાજ ઉઠાવતી રહીશ : શિવસેનાની ધમકી વચ્ચે 'Y' શ્રેણીની સુરક્ષામાં કંગનાએ રસ્તામાં રોકાઇને પૂજા - અર્ચના કરી

મુંબઇ તા. ૯ : અભિનેત્રી કંગના રનૌત આજે એટલે કે ૯ સપ્ટેમ્બરે મુંબઈ પહોંચશે. તેના માટે તે મંડીમાં પોતાના ઘરેથી રવાના થઈ ગઈ છે. તે ચંદીગઢથી મુંબઈ ફલાઈટ દ્વારા આવશે. હિમાચલના મંડીમાં કંગનાનું પિતાનું ઘર છે.

 કંગનાએ ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે રાણી લક્ષ્મીબાઈના સાહસ, શૌર્ય અને બલિદાનને હું ફિલ્મો દ્વારા જીવી છું. દુઃખની વાત એ છે કે મને મારા જ મહારાષ્ટ્રમાં આવવાથી રોકવામાં આવી રહી છે. હું રાણી લક્ષ્મીબાઈના પગલે ચાલીશ ના ડરીશ કે ના ઝુકીશ. ખોટાની વિરૂદ્ઘ આગળ આવીને અવાજ ઉઠાવતી રહીશ. જય મહારાષ્ટ્ર, જય શિવાજી.

ઉલ્લેખનીય છે કે મુંબઈ જતા પહેલા કંગના રનૌતનો બે વખત કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. કંગનાનો કોરના રિપોર્ટ માટે લેવામાં આવેલુ પહેલુ સેમ્પલ બરાબર નહોતું. જેના કારણે રિપોર્ટની તપાસ ન થઈ શકી. જેના પગલે બીજી વાર ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમની કોરોના ટેસ્ટનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ કંગનાનો મુંબઈ જવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કંગના બપોરે ચંદીગઢથી મુંબઈ જવા નિકળશે. તેમની ફલાઈટ બપોરે સવા ૧૨ વાગ્યાની છે. જે ૨ વાગ્યે મુંબઈ પહોંચશે.

છેલ્લા કેટલાક દિવસોથી કંગના અને શિવસેનાની વચ્ચે વાક યુદ્ઘ ચાલી રહ્યું છે. કંગનાએ કહ્યું હતું કે મુંબઈમાં તે ખુદને સુરક્ષિત નથી લાગતી અને તેને મુંબઈ પીઓકેની જેવુ લાગે છે. જેના પછી શિવસેના નેતાએ તેને મુંબઈ ન આવવા કહ્યું હતું. ત્યારથી જ આ વિવાદ વકર્તો ગયો છે. હવે કેન્દ્ર સરકારે Y પ્લસ સિકયોરિટી આપવામાં આવી છે.

કંગના પહેલા જ સુશાંત સિંહના મોત માટે મૂવી માફિયા અને નેપોટિઝમને જવાબદાર ઠેરવી ચૂકી છે. આ સિવાય તે મુંબઈ પોલીસને પણ કોર્ટ લઈ ગઈ હતી. કંગનાએ જયારે મુંબઈને પીઓકેની તુલના કરી ત્યારે કેટલાક મહાનુભાવોએ સહિત શિવેસના નેતા સંજય રાઉતે પણ તેમની નિંદા કરી હતી.

(11:39 am IST)