Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નોઈડામાં મહિલાઓને ગાળો દેનાર શ્રીકાંત ત્યાગીની અકડ ઉતરી : કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો

પોલીસે મેરઠથી ધરપકડ બાદ કોર્ટમાં કરાયો હતો રજૂ : શ્રીકાંતની ધરપકડ કરનાર ટીમને મળશે 3 લાખનું ઈનામ

નોઈડા તા.09 : નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યાગી સાથે પોલીસે 3 લોકોની મેરઠથી ધરપકડ કરી છે. શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો. આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.  

નોઈડા પોલીસે મેરઠમાંથી શ્રીકાંત ત્યાગીની ઝડપી પાડ્યો હતો જે પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગ્રેટર નોઈડાની સૂરજપૂર કોર્ટે આરોપી ત્યાગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

પોલીસે શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરનાર ટીમને 3 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેને મેરઠમાંથી ઝડપી પાડ્યો હતો.

શ્રીકાંત ત્યાગીએ પોલીસ પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેમના વાહન પર વિધાનસભા સચિવાલયનું સ્ટીકર તેમને સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું હતું. વાસ્તવમાં પોલીસે કાર્યવાહી કરતા શ્રીકાંત ત્યાગીના પાંચ વાહનો જપ્ત કર્યા છે. તેમાંથી એક ધારાસભ્યનું સ્ટીકર સાથે મળી આવ્યું હતું. સાથે જ અન્ય વાહનની નંબર પ્લેટ પર ઉત્તર પ્રદેશ સરકારનો સત્તાવાર લોગો પણ મળી આવ્યો હતો.

5 ઓગસ્ટે મહિલા સાથે ગાળાગાળીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ મુદ્દો બરાબરનો ચગ્યો હતો આથી પોલીસે તત્કાળ ગુનો દાખલ કરતા આરોપી ત્યાગી રફૂચક્કર થઈ ગયો હતો. પોલીસે તેની સામે કાર્યવાહી કરીને 25 હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પોલીસની 12 ટીમો તેની શોધખોળ કરી રહી હતી. આખરે આજે તેના ત્રણ સાગરિતો સાથે મેરઠથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

(11:32 pm IST)