Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નાશિક નજીક ત્રંબકેશ્વરના ડુગરવાડી ધોધ પર ફરવા ગયેલા ૨૩ ટુરિસ્ટોને હેમખેમ બચાવી લેવાયા : 1 લાપતા

ગાઢ અંધકારમાં ધસમસતા પ્રવાહ વચ્ચે ખડકો પર અટવાઈ જતાં બચાવો બચાવોના પોકાર : મોબાઈલ અને ટોર્ચના અજવાળે પ્રવાસીઓને બચાવાયા

નાશિક તા.09 : નાશિક નજીક ત્રંબેકેશ્વરના ડુગરવાડી ધોધ હાલ વરસાદ પડ્યા બાદ સોળેકળાએ  ખીલી ઉઠ્યું છે. જેને  જોવા દૂર દૂરથી પ્રવાસીઓ અહી આવે છે. તેવી જ રીતે રવિવારે ૨૩ ટુરિસ્ટોનું એક ગ્રૂપ અહી આવ્યું હતું. પરંતુ ભારે વરસાદને પગલે ડુગરા નદી બેકાંઠે વહેવા માંડતા ફસાઇ ગયા હતા.

સ્થાનિક લોકોએ, વનવિભાગના કર્મચારીઓએ અને પોલીસે કલાકોની જહેમત બાદ ૨૨ ટુરિસ્ટને હેમખેમ બચાવી લીધા હતા. પણ એક વ્યક્તિ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયાની શક્યતા છે.

ત્રંબકેશ્વર પોલીસે જણાવ્યું હતું કે ૨૩ ટુરિસ્ટોનું ગ્રૂપ જ્યારે રવિવારે સાંજે ડુગરવાડી ધોધની દિશામાં જઇ રહ્યું હતું. ત્યારે જ ગ્રામજનોએ તેમને ચેતવ્યા હતા કે ભારે વરસાદને લીધે ડુગરા નદીમાં સપાટી વધી રહી છે, એટલે જવામાં બહુ જોખમ છે. પણ ચેતવણી અવગણીને બધા પહોંચ્યા હતા.

જ્યારે ધોધ પર પહોંચ્યા ત્યારે પાણીની સપાટી વધવા માંડતા બધા ખડકો પર અટવાઇ ગયા હતા. આસપાસ પાણી ફરી વળતા નીકળવાનું મુશ્કેલ બની ગયું હતું. ડુગરાળ વિસ્તારમાં આવેલી જગ્યાને કારણે મોબાઇલ કનેક્શન પણ મળતું નહોતું. ત્યાં સુધીમાં રાત પડતા અંધારું છવાઇ ગયું હતું. બધા તેમને બચાવી લેવા માટે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. નજીકના ગામડાના કેટલાક લોકોએ આ બચાવો... બચાવો...ની બૂમ સાંભળીને તરત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. ફોરેસ્ટ ખાતાએ ત્રંબકેશ્વર પોલીસને અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલને સતર્ક કરતા થોડીવારમાં જ ટુરિસ્ટોને બચાવવા માટે બધા દોડી આવ્યા હતા. સ્થાનિક ટ્રેકર્સ ટીમ અને ગામવાળા પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. મોટા દોરડા બાંધીને એક પછી એક ટુરિસ્ટને કિનારે લાવતા મધરાતે દોઢ વાગી ગયો હતો. ૨૨ જણ હેમખેમ ઉગરી ગયા હતા. કમભાગ્યે બિડ જિલ્લાના આંબેજોગાઇ ગામના અવિનાશ ગરાડ નામના પર્યટકનો પત્તો નહોતો લાગ્યો. એટલે તે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયાની શક્યતાને આધારે સવાર સુધી શોધખોળ કરવામાં આવી હતી. પણ તેનો પત્તો નહોતો લાગ્યો. ગાઢ અંધકારમાં મોબાઇલના અને ટોર્ચના અજવાળે આ બચાવ કામગીરી પાર પાડવામાં આવી હતી.

(9:35 pm IST)