Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મહારાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન : મુંબઈ સહિત વિસ્તારોમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર

મરાઠવાડા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ મહારાષ્ટ્ર માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવે IMD એ ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

મુંબઈ :હવામાન વિભાગ (IMD) એ મંગળવારે ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ અને પશ્ચિમ વિદર્ભ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચેતવણી જાહેર કરીને હવામાન વિભાગે ભારે વરસાદની  આગાહી કરી છે. આવી સ્થિતિમાં અહીં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. માનવામાં આવી રહ્યુ છે કે 12 ઓગસ્ટ પછી રાહત મળી શકે છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રવિવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. આ પહેલા હવામાન વિભાગે મરાઠવાડા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ મહારાષ્ટ્ર માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.

IMDએ કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે સવારે મુંબઈમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અંધેરી મેટ્રો જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા, જેના કારણે અધિકારીઓને ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળવાની ફરજ પડી હતી.

મુંબઈમાં સોમવારે મધરાતથી ભારે વરસાદ શરૂ થયો હતો અને મંગળવારે સવારે જોરદાર પવન સાથે તેની તીવ્રતા વધી ગઈ હતી. હવામાન વિભાગ વર્તમાન હવામાન પ્રણાલીના આધારે ચાર રંગ-કોડેડ આગાહીઓ જાહેર કરે છે. લીલો રંગ કોઈ ચેતવણી દર્શાવતો નથી, યલો એલર્ટ એટલે પરીસ્થિતી પર સતત નજર રાખવી, ઓરેન્જ એલર્ટ એટલે સતર્ક રહેવું, જ્યારે રેડ એલર્ટ એટલે કે પગલાં લેવાની જરૂર છે.

(8:22 pm IST)