Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

તાઈવાને લાઈવ-ફાયર આર્ટિલરી ડ્રિલ શરૃ કરી

ચીન અને તાઈવાનની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો : ટારગેટ ફ્લેયર્સ અને તોપખાનાની ફાયરીંગની સાથે દક્ષિણી કાઉન્ટી પિંગટુંગમાં અભ્યાસ શરૃ કર્યાને તાઈવાનની પૃષ્ટી

તાઈપેઈ, તા.૯ : ચીન અને તાઈવાનની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. ચીની લશ્કરી કવાયત બાદ તાઈવાનની સેનાએ પણ લાઈવ-ફાયર આર્ટિલરી ડ્રિલ શરૃ કરી દીધી છે. કોઈપણ સંભવિત હુમલાથી દ્વીપની રક્ષાને મુદ્દે આ ડ્રિલ કરવામાં આવી રહી છે. તાઈવાનની આઠમી સેના કોરના પ્રવક્તા લૂ વોઈ-જે એ પુષ્ટિ કરી કે ટારગેટ ફ્લેયર્સ અને તોપખાનાની ફાયરીંગની સાથે દક્ષિણી કાઉન્ટી પિંગટુંગમાં અભ્યાસ શરૃ થયો.

તાઈવાન તરફથી મંગળવારે શરૃ કરવામાં આવેલી આ ડ્રિલ ગુરુવાર સુધી જારી રહેશે. સેનાએ કહ્યુ કે આમાં સેંકડો સૈનિકોની તૈનાતી હશે અને લગભગ ૪૦ હૉવિત્જરને સામેલ કરવામાં આવશે. જોકે, લૂ એ આ વાતનો ઈનકાર કર્યો છે કે આ ડ્રિલ ચીનના સૈન્ય અભ્યાસના જવાબમાં કરવામાં આવી રહી છે. તેમનુ કહેવુ છે કે આ ડ્રિલ પહેલા જ નક્કી હતી.  ચીનની સેનાએ સોમવારે કહ્યુ કે તાઈવાનની આસપાસ તેમની મોટી લશ્કરી કવાયત ચાલુ છે જ્યારે તેણે પહેલા જાહેરાત કરી હતી કે રવિવારે લાઈવ-ફાયર કવાયત સમાપ્ત થઈ જશે. ચીની સેનાના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે કહ્યુ કે તે સબમરીન વિરોધી હુમલો અને સમુદ્રી દરોડાની કવાયત કરશે. અગાઉ ચીની સેનાએ તાઈવાનની સમુદ્રી સરહદ નજીક જઈ લાઈવ ફાયર પ્રેક્ટિસ કરી હતી, તે વિશે કહેવામાં આવ્યુ હતુ કે તે આવુ અમેરિકી હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન યાત્રાના વિરોધમાં કરી રહ્યા છે.

 

 

(7:36 pm IST)