Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કેનેડાએ ભારત માટે સ્ટુડન્ટ ડાયરેકટ સ્ટ્રીમ શરૃ કરી

ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનો ક્રેઝ વધ્યો : વેઈટિંગનો ગાળો ત્રીજા ભાગનો થઈ જશે, મોટા ભાગની એસડીએસ અરજીઓ ૨૦ દિવસમાં પ્રોસેસ થઈ જાય છે

મુંબઈ, તા.૯ : ભારતીય વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાના આકર્ષણમાં વધારો થયો છે. કેનેડા જવું પ્રમાણમાં સહેલું છે અને ત્યાં હાયર એજ્યુકેશનનો સ્કોપ પણ ઘણો વધારે છે. જોકે, હવે એક એવા સમાચાર આવ્યા છે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને ચોક્કસ ફાયદો થશે. કેનેડા પાસે હાલમાં વિઝાની એપ્લિકેશન્સનો ઢગલો થયો છે જેના નિકાલમાં ઘણો સમય લાગે તેમ છે પરંતુ હવે આ માટેનો વેઈટિંગનો ગાળો ૯ અઠવાડિયા જેટલો ઘટી જશે. કેનેડા જવા માટે ઈમિગ્રેશનની પ્રક્રિયા પ્રમાણમાં સરળ હોય છે અને સસ્તી પડે છે. તેના કારણે વિઝા માટે પુષ્કળ અરજીઓ થતી હોય છે. અત્યારે કેનેડા બહારથી કોઈ વિઝા માટે અરજી કરે તો ૧૨ અઠવાડિયા સહેલાઈથી લાગી જાય છે. ભારતીય સ્ટુડન્ટ્સ માટે હવે સ્ટુડન્ટ ડાયરેકટ સ્ટ્રીમ (એસડીએસ) શરૃ કરવામાં આવી છે જેના કારણે વેઈટિંગનો ગાળો ત્રીજા ભાગનો થઈ જશે. મોટા ભાગની એસડીએસ અરજીઓ ૨૦ દિવસની અંદર પ્રોસેસ થઈ જાય છે. જોકે, અમુક અરજીઓમાં વધારે સમય લાગી સકે છે. તમારે એપ્લિકેશનને ઝડપથી પ્રોસેસ કરાવવી હોય તો શક્ય એટલી વહેલી તકે તમારો બાયોમેટ્રિક્સ આપો અને તમામ લાયકાતના ધોરણોનું પાલન કરો. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ હેઠળ તમારી અરજીને પ્રોસેસ કરવામાં આવેતે માટે પોસ્ટ સેકન્ડરી લર્નિંગ ઈન્સ્ટિટ્યુટ પાસેથી એક સ્વીકૃતિ લેટર મેળવવો જરૃરી છે.

કયા ડોક્યુમેન્ટની જરૃર પડશે

તમે અભ્યાસના પ્રથમ વર્ષ દરમિયાન તમારી ટ્યુશન ફી ચુકવી છે તેનો પૂરાવો.

*   ૧૦ હજાર કેનેડિયન ડોલરનું ગેરંટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઈસી).

*   તમે ક્યુબેકમાંથી ભણવા માંગતા હોવ તો મંત્રાલયનો પત્ર આપવો પડશે.

*   અરજી કરતા પહેલાં મેડિકલ એક્ઝામ

*   તમે અરજી કરો તે પહેલા પોલીસ સર્ટિફિકેટ

*   તમારી તાજેતરની સેકન્ડરી અથવા પોસ્ટ-સેકન્ડરી ટ્રાન્સસ્ક્રિપ્ટ. તમારી સ્ટડી પરમિટને ઝડપથી મંજૂરી મળી જાય તે માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ માટે કોઈ પેપર એપ્લિકેશન હોતી નથી. એક વખત તમે ફી ચુકવી દો ત્યાર પછી તમારી અરજી સબમિટ કરો. તમે જ્યારે બાયોમેટ્રિક્સ આપવા માટે આવો ત્યારે આ લેટર લઈ જવો જરૃરી છે. આ સાથે તમારો પાસપોર્ટ આપવાનો રહેશે. રૃબરૃમાં બાયોમેટ્રિક્સ આપવા માટે તમારી પાસે ૩૦ દિવસનો સમય છે. એક વખત બાયોમેટ્રિક્સ અપાઈ જાય ત્યાર પછી ૨૦ દિવસની ટાઈમલાઈન શરૃ થાય છે.

 

 

(7:32 pm IST)