Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

૨૩ કરોડનું ઇનામ હતુ એ પાકિસ્‍તાની ત્રાસવાદી અફઘાનિસ્‍તાનમાં ઠાર

ત્રાસવાદીનું નામ ઉમર ખાલિદ ખુરાસાની હતુ

કાબુલ, તા.૯: અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાનનો એક ખૂંખાર આતંકવાદી મરાયો હોવાના સમાચાર છે. એક ખુફીયા રિપોર્ટ અનુસાર, પાકિસ્‍તાનના આ આતંકવાદીના માથા પર ૩૦ લાખ ડોલર (૨૩ કરોડ રૂપિયાથી વધારે)નું ઇનામ હતું. આ આતંકવાદીનું નામ અબ્‍દુલ વલી જણાવાઇ રહ્યુ છે. તે ઉમર ખાલીદ ખુરાસાનીના નામથી પણ ઓળખાતો હતો અને તે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન (ટીટીપી) સાથે સંકળાયેલો હતો.

પાકિસ્‍તાની અધિકારીઓએ કહ્યું કે અબ્‍દુલ વલીના મોતથી કાબુલમાં તાલિબાની શાસકો દ્વારા આયોજીત બેઠકો પછી ટીટીપી અને પાકિસ્‍તાની સરકાર વચ્‍ચેની શાંતિ વાર્તાને ઝટકો લાગી શકે છે. ખુરાસાની જમાત-ઉલ-અહરાર (જેયુએ)નો પ્રમુખ હતો. જમાત-ઉલ-અહરાર ટીટીપીની એક શાખા છે, જેને અમેરિકા દ્વારા આતંકવાદી ગ્રૃપ જાહેર કરાયુ છે. અમેરિકાએ તેને પકડનાર, અથવા મારનારને ૩૦ લાખ ડોલરના ઇનામની જાહેરાત કરી હતી.

પાક મીડીયામાં આવેલ સમાચારમાં સોમવારે આ માહિતી અપાઇ હતી. તેના અનુસાર, પૂર્વ અફઘાનિસ્‍તાના પકિતકા પ્રાંતમાં એક રહસ્‍યમય ધડાકામાં ટીટીપીના ટોચના કમાંડર ઉમર ખાલીદ ખુરાસાની અને ત્રણ અન્‍ય મુખ્‍ય આતંકવાદીઓ માર્યા ગયા હતા. ‘ધ એકસપ્રેસ ટ્રીબ્‍યુન' અખબારના સમાચારમાં કહેવાયુ હતુ કે અફઘાન અધિકારીઓ અને સ્‍થાનિક સુત્રો અનુસાર, ખુરાસાની સહિત આતંકવાદી સંગઠનના ટોચના કમાંડરોને લઇને જતા વાહનને રવિવારે રહસ્‍યમય વિસ્‍ફોટક ઉપકરણ દ્વારા નિશાન બનાવાયુ હતું.

સમાચારમાં કહેવાયુ હતુ કે ટોચના આતંકવાદીઓ એક મીટીંગ માટે પ્રાંતના બીરમલ જીલ્લામાં જઇ રહ્યા હતા ત્‍યારે તેમનુ વાહન બારૂદી સુરંગની ઝપટમાં આવી ગયુ હતું. અખબારે એક સીનીયર અફઘાની અધિકારીના હવાલાથી કહ્યું કે વાહનમાં સવાર બધા લોકોના મોત થયા હતા જેમાં ટીટીપી કમાંડર અબ્‍દુલ વલી મોહમ્‍મદ, મુફતી હસન અને હફીઝ દોલતખાન સામેલ હતા.

સ્‍થાનિક સુત્રો અનુસાર, રવિવારે જયારે ટીટીપી નેતાઓનું વાહન સુરંગની ઝપટમાં આવ્‍યુ ત્‍યારે તેઓ મીટીંગ માટે જઇ રહ્યા હતા. મોહમ્‍મદ કબાઇથી જીલ્લાથી આવતો ખુરાસાની ટીટીપીનો ટોચનો કમાંડર ગણાતો હતો. આતંકવાદી જૂથ ટીટીપી આખા પાકિસ્‍તાનમાં શરીયા કાયદો લાગુ કરવા માંગે છે.

(4:02 pm IST)