Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નીતિશ કુમારે ૧૦ વર્ષમાં ૭ વાર ચોંકાવી દીધાઃ રાજકારણમાં સફળતા મેળવીને પલટવામાં ઉસ્‍તાદ

આ પહેલીવાર નથી જ્‍યારે નીતિશ કુમારે આ રીતે પોતાનું સ્‍ટેન્‍ડ બદલ્‍યું હોયઃ આ પહેલા પણ તેઓ ૨૦૧૩માં એનડીએ છોડીને આરજેડી અને કોંગ્રેસ સાથે ગયા હતાઉ ત્‍યારબાદ ૨૦૧૭માં ફરી એકવાર ભાજપ સાથે ગયા

નવી દિલ્‍હી, તા.૯: બિહારના સીએમ નીતિશ કુમારે બીજેપી સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો છે અને ફરી એકવાર તેઓ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. નીતીશ કુમારે અચાનક આ નિર્ણય લીધો છે, જેનાથી બિહાર સહિત દેશભરના લોકો ચોંકી ગયા છે. પરંતુ આ પહેલીવાર નથી જ્‍યારે નીતિશ કુમારે આ રીતે પોતાનું સ્‍ટેન્‍ડ બદલ્‍યું હોય. આ પહેલા પણ તેઓ ૨૦૧૩માં એનડીએ છોડીને આરજેડી અને કોંગ્રેસ સાથે ગયા હતા. ત્‍યારબાદ ૨૦૧૭માં ફરી એકવાર ભાજપ સાથે ગયા. આ રીતે તેઓ રાજકારણમાં ઘણી વખત પક્ષ બદલી ચૂકયા છે.

નીતીશ કુમારની બિહારમાં સારી છબી છે અને તેના કારણે તેઓ આરજેડી અને ભાજપને મદદ કરી રહ્યા છે જેમણે પોતાની શરતો પર જેડીયુ કરતા વધુ સીટો જીતી છે. નીતિશ કુમારે અનેક વખત પોતાના દાવપેચથી રાજકીય પંડિતોને દંગ કરી દીધા છે. ૨૦૦૫માં બીજેપી સાથે મળીને બિહારમાં સરકાર બનાવનાર નીતિશ કુમારે ૨૦૧૨માં પહેલીવાર લોકોને ચોંકાવી દીધા હતા. તેઓ એનડીએમાં હતા, પરંતુ રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં તેમણે પ્રણવ મુખર્જીને મત આપ્‍યો હતો. આ પછી ૨૦૧૩માં જ્‍યારે બીજેપીએ નરેન્‍દ્રભાઇ મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા ત્‍યારે નીતીશ કુમારે ૧૭ વર્ષ જૂના સંબંધોનો અંત લાવી દીધો હતો.

જેડીયુએ ત્‍યારબાદ આરજેડી સાથે મળીને ૨૦૧૪ની સામાન્‍ય ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપની લહેરમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્‍યો હતો. ત્‍યારબાદ નીતીશ કુમારે આશ્‍ચર્યજનક રીતે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્‍યારબાદ જીતનરામ માંઝી સીએમ બન્‍યા હતા. જેડીયુએ બિહારમાં ૪૦ લોકસભા સીટોમાંથી માત્ર ૨ જ જીતી હતી. આ પછી નીતિશ કુમારે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો અને જીત પણ મેળવી હતી. એટલું જ નહીં, જૂન ૨૦૧૭માં જ્‍યારે તેમણે મહાગઠબંધન સાથે રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં યુપીએના મીરા કુમારને બદલે એનડીએના રામનાથ કોવિંદને મત આપ્‍યો હતો.એક મહિના પછી, જુલાઈમાં, તેમણે મહાગઠબંધન છોડી દીધું અને ફરી એકવાર ભાજપ સાથે સરકાર બનાવી. ભાજપ અને જેડીયુ છેલ્લા ૫ વર્ષથી સાથે ચાલી રહ્યા હતા, પરંતુ આ વર્ષે એપ્રિલમાં તેઓએ ફરી એકવાર આશ્‍ચર્યમાં મૂકી દીધા. નીતિશ કુમારે રાબડીના ઘરે આયોજિત ઈફ્‌તાર પાર્ટીમાં ભાગ લીધો હતો. ૫ વર્ષ બાદ આ બેઠક બાદ અટકળો તેજ થઈ ગઈ હતી જે હવે સમાપ્ત થવા જઈ રહી છે. હવે નીતીશ કુમારે ફરી એકવાર ચોંકાવનારી છે અને તેઓ NDA છોડીને કોંગ્રેસ અને RJD સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે.

(3:47 pm IST)