Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મુંબઇમાં ગઇકાલથી એકધારો વરસાદ

શહેર પાણી... પાણી... : જનજીવન ખોરવાયુ : હવાઇ સેવાને અસર : હજુ ભારે વરસાદની આગાહી : ઓરેન્‍જ એલર્ટ

મુંબઇ તા. ૯ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવાર સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે મુંબઈ, નવી મુંબઈ, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદ માટે ઓરેન્‍જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્‍તારોમાં ૧૦-૧૧ ઓગસ્‍ટ સુધી વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેવાની શક્‍યતા છે. સાંતાક્રુઝમાં આજે સવારે ૫.૩૦ વાગ્‍યા સુધી ૮૬ મીમી વરસાદ નોંધાયો છે. આગામી કેટલાક કલાકોમાં તે ૧૦૦ મીમીને પાર કરી શકે તેવી સંભાવના છે.

આગામી ૩-૪ કલાક દરમિયાન મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્‍થળોએ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. મહાનગરના ભિવંડી વિસ્‍તારમાં રાતભર ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે બજારની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. શહેરના તીનબત્તી માર્કેટની અનેક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ઘણી ફલાઈટને પણ અસર થઈ છે. સ્‍પાઈસજેટે મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા ફલાઈટનો સમય તપાસવા વિનંતી કરી છે. ઘણી ફલાઈટ્‍સ મોડી ચાલી રહી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્‍તારોમાંથી પાણી ભરાયાના અહેવાલો આવી રહ્યા છે. સવારે ઓફિસ જવા માટે નીકળેલા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધેરીમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે સબવે બંધ કરવો પડ્‍યો હતો.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમરાવતી-નંદગાંવ રોડ પર એક ટ્રેક્‍ટર પાણીમાં વહી જવાના સમાચાર છે. આ ટ્રેક્‍ટરમાં સવાર ૨-૩ લોકો પણ ધોવાઈ ગયા છે. આ તમામની શોધ ચાલી રહી છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના ઘણા ભાગો માટે રેડ અને ઓરેન્‍જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પ્રાદેશિક હવામાન કેન્‍દ્રએ ગઇકાલે અને આજે ગઢચિરોલી, ચંદ્રપુર અને ગોંદિયાના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે.

અધિકારીએ જણાવ્‍યું કે સોમવારથી બુધવાર સુધી વિદર્ભના ગોંદિયા, વર્ધા, વાશિમ અને યવતમાલ જિલ્લામાં એક કે બે સ્‍થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને આ સંદર્ભે ઓરેન્‍જ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે.

(12:16 pm IST)