Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લ્‍યો બોલો ! આ કપલનું હનીમૂન પતતું જ નથીઃ છેલ્લા ૧૦ વર્ષમાં ૬૪ દેશો ફર્યા, હવે ભારત પહોંચ્‍યા

જુલાઇ ૨૦૧૨માં લગ્ન કર્યા બાદ હનીમૂન જ મનાવી રહ્યુ છે ૧૦.૫ વર્ષમાં ૬૪ દેશ ફરી ચૂકયા છે : ૬૫ દેશ તરીકે ભારત આવ્‍યા : ભારતમાં કેરળ, ગોવા અને મુંબઇની મુલાકાત લેશે : બાદમાં ક્રોએશિયા જવા રવાના થશે

નવી દિલ્‍હી,તા. ૯: લગ્ન બાદ નવપરિણીત કપલમાં હનીમૂન પર જવાનો ભારે શોખ હોય છે. કેટલાય લોકો દેશ-વિદેશના બેસ્‍ટ રોમેન્‍ટિક પ્‍લેને હનીમૂન માટે પસંદ કરતા હોય છે. પણ આ હનીમૂન થોડા દિવસો કે અઠવાડિયા માટે જ હોય છે. પણ આજે અમે એક એવા કપલની કહાની તમને જણાવી રહ્યા છે, કે જેઓના લગ્ન ૧૦ વર્ષ પહેલાં થયા હતા, પણ હજુ સુધી તેઓ પોતાનું હનીમૂન જ મનાવી રહ્યા છે. ૧૦.૫ વર્ષમાં ૬૪ દેશોમાં હનીમૂન બનાવ્‍યા બાદ આ દંપતી હવે ૬૫મા દેશ તરીકે ભારતમાં આવ્‍યા છે અને અત્‍યારે કેરળમાં પોતાના હનીમૂનની મજા માણી રહ્યા છે. આ દંપત્તિને ટ્રાવેલિંગનો શોખ છે અને તેઓને ખ્‍યાલ આવી ગયો છે કે, જીવન ટૂંકું છે અને દુનિયા મોટી છે.

જુલાઈ ૨૦૧૨માં લગ્ન કર્યાં બાદ આ દંપત્તિએ પોતાના હનીમૂનની શરૂઆત કરી હતી અને તેઓએ ૭ ખંડના ૬૪ દેશોમાં ફરી ચૂક્‍યા છે અને સોશિયલ મીડિયામાં તેમના ૩.૫૦ લાખ ફોલોઅર્સ છે. અને હવે તેઓ ભારતમાં હનીમૂન મનાવવા માટે તેઓ કેરળના કોચી આવી પહોંચ્‍યા છે. જયાં એન્નીએ જણાવ્‍યું હતું કે, ભારત સાથે તેમનો ભાવનાત્‍મક સંબંધ છે, કેમ કે તેના દાદી શાંતા મુંબઈના હતા.

માઈકની ઉંમર ૪૪ વર્ષ અને એન્નીની ઉંમક ૩૯ વર્ષ છે. તેઓ હજુ પણ પોતાનું હનીમૂન પતાવવાના મૂડમાં નથી. અને તેઓ ખુબ જ ઓછા ખર્ચમાં પોતાનું હનીમૂન મનાવે છે, તેમ તેઓએ જણાવ્‍યું છે. તેઓ એક દિવસના પ્રતિ વ્‍યક્‍તિ ૧૦૦ ડોલર એટલે કે અંદાજે ૨૭૦૦ રૂપિયાનો ખર્ચ કરે છે. આ ઉપરાંત અગાઉ તેઓએ યુરોપ, નોર્થ અને સાઉથ અમેરિકાના દેશોની મુસાફરી કરી ચૂક્‍યા છે. અને ૬૫જ્રાક્ર દેશ તરીકે ભારતના કેરળ આવી પહોંચ્‍યા છે.

માઈકે કહ્યું કે, અમે ભૂટાનથી ફલાઈટમાં અહીં આવ્‍યા છે. માઈક અને એન્નીની મુલાકાત ટુ ઓન ટુ વોલીબોલ રમતી વખતે થઈ હતી. કપલે કહ્યું કે, કોઈ ભારતની ટ્રિપ કરવા ઈચ્‍છતું હોય તો, તેઓએ પ્રથમ કેરળથી શરૂઆત કરવી જોઈએ. માઈકે કહ્યું કે, કેરળ ટુરિસ્‍ટ માટે ભારતના ગેટવે તરીકે કામ કરે છે. અહીં દુનિયાભરની સંસ્‍કૃતિ જોવા મળે છે.

આ ઉપરાંત બંને દંપત્તિએ બે પુસ્‍તક પણ લખ્‍યું છે- Ultimate Journeys for Two, જે કપલ માટે ટ્રાવેલ ગાઈડ છે. Comfortably Wild: The Best Glamping Destinations in North America. કેરળ બાદ આ દંપત્તિ ગોવા અને મુંબઈ ફરવાનો પ્‍લાનિંગ કરી રહ્યા છે. અને તેઓ બસ, રિક્ષા જેવાં સ્‍થાનિક ટ્રાન્‍સપોર્ટ સિસ્‍ટમથી જ મુસાફરી કરે છે અને આ સમય દરમિયાન લોકો સાથે વાતચીત કરવી તેઓને ખુબ જ ગમે છે.

હવે તમને સવાલ થતો હશે કે, આ કપલ પોતાનો ખર્ચ કેવી રીતે કાઢતા હશે. તો તમને જણાવી દઈએ કે, દંપત્તિ દ્વારા ‘HoneyTrek’ નામનો એક બ્‍લોગ અને સોશિયલ મીડિયા પેજ ચલાવવામાં આવે છે. જેના માધ્‍યમથી કપલને સારી એવી કમાણી થાય છે અને તે કમાણીના આધારે જ તેઓ આજે દુનિયાભરમાં હનીમૂન કરવા માટે પહોંચી રહ્યા છે. ભારત બાદ તેઓ હનીમૂન મનાવવા માટે ક્રોએશિયા જશે.

(12:19 pm IST)