Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

નિરજ ચોપરાથી લઈ હોકી ટીમનું થયુ શાનદાર સન્માન : રમત-ગમત મંત્રીએ કહ્યું 'ખેલાડીઓ માટે કોઈ કમી નહીં રહે'

કેન્દ્રીય રમત પ્રધાન અનુરાગ ઠાકુર, કાયદા પ્રધાન કિરન રિજ્જુ , ગૃહ રાજ્ય પ્રધાન નિશીથ પ્રમાણિકે મેડલ વિજેતાઓનું સન્માન કર્યુ

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાંથી પરત આવેલા ભારતીય ખેલાડીઓનું દિલ્હીમાં સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રમત પ્રધાન અનુરાગ ઠાકુર, કાયદા પ્રધાન કિરન રિજ્જુ, ગૃહ રાજ્ય પ્રધાન નિશીથ પ્રમાણિકે મેડલ વિજેતાઓનું સન્માન કર્યુ હતુ. તેઓએ રેસલર બજરંગ પુનિયા, રવિ દહિયા, બોક્સર લવલીના બોરગોહૈન, ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ નિરજ ચોપરાનું  સન્માન કર્યું.

ભારતીય ખેલાડીઓ સોમવારે 9 ઓગસ્ટે જ ટોક્યોથી સ્વદેશ પરત આવ્યા છે. એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને ધામધૂમથી સ્વાગત સાથે અશોકા હોટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે તમામ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતીય ખેલાડીઓ જે પણ રમતોમાં ભાગ લેવા માટે પહોંચ્યા હોય છે, ત્યાં તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે.

અનુરાગ ઠાકુરે કહ્યું હતુ કે નિરજ ચોપરા, બજરંગ પુનિયા, લવનલિના સહિત તમામ એથલેટ એક નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ નવા ભારતના નવા હિરો છે. આપણે આ નક્કી કરીશુ કે અમારા તરફથી ખેલાડીઓને સારી સુવિધાઓ મળે. ત્યારબાદ તેઓએ મજાકના અંદાજમાં કહ્યું હતુ કે નિરજને અમે ચુરમુ અને ગોલ-ગપ્પા નહીં ખવડાવી શકીએ કે ના અમે પીવી સિંધુને આઈસ્ક્રીમ ખવડાવી શકીશુ. જોકે આપણે બધા જ પ્રધાનમંત્રી સાથે આ ખાઈશુ. ઠાકુરે મેડલ વિજેતાઓની સાથે ભારતીય મહિલા હોકી ટીમ, તલવાર બાજ ભવાની દેવી, સેલર નેત્રા કુમારન, રોવર્સ અર્જુન લાલ અને અરવિંદ સિંહની રમતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(11:04 pm IST)