Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

આમંત્રણમાં કોકારી કાંડને કોકારી ટ્રેન એક્શન ગણાવ્યો

નવ ઓગસ્ટે બહુચર્ચિત કોકારી કાંડ થયો હતો : યુપી સરકારે કાકોરી કાંડ શબ્દને અપમાનજનક માન્યો છે અને માટે તેની ભાષામાં ફેરફાર કરવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૯ : આઝાદીની લડાઈ દરમિયાન અંગ્રેજોને માત આપવા માટે સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા અનેક આંદોલનો ચલાવવામાં આવ્યા હતા. એક તરફ આજે ભારત છોડો આંદોલનની વરસી ઉજવવામાં આવી રહી છે તો આજે ૯ ઓગષ્ટના દિવસે જ બહુચર્ચિત કાકોરી કાંડ થયો હતો. આજે આ નિમિત્તે ઉત્તર પ્રદેશમાં અનેક કાર્યક્રમ થઈ રહ્યા છે. જોકે ઉત્તર પ્રદેશના આમંત્રણ કાર્ડમાં કેટલાક ટ્વિસ્ટ છે.

ઈતિહાસમાં ભલે આ ઘટના કાકોરી કાંડ તરીકે ઓળખાતી હોય પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે પોતાના સત્તાવાર આમંત્રણમાં તેને કાકોરી ટ્રેન એક્શન ગણાવી છે. યુપી સરકારે કાકોરી કાંડ શબ્દને અપમાનજનક માન્યો છે અને માટે તેની ભાષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કાકોરી ખાતે સોમવારે આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કિસ્સાગોઈ, તિરંગા યાત્રા, ફિલ્મ પ્રદર્શની સહિત અન્ય કાર્યક્રમો યોજાશે. તેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત અન્ય કેટલાય અતિથિ સામેલ થશે. ૯ ઓગષ્ટ, ૧૯૨૫ના રોજ બનેલી કાકોરી કાંડની ઘટના હંમેશા રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્ર પ્રસાદ લાહિડી અને અન્ય કેટલાય ક્રાંતિકારીઓને લઈ ઓળખાય છે. તે સમયે હિંદુસ્તાન રિપબ્લિક અસોસિએશન (HRA) સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓએ તે ઘટનાને અંજામ આપ્યો હતો.

આ ઘટના એક ટ્રેન લૂંટ સાથે સંકળાયેલી છે જે ૯ ઓગષ્ટ, ૧૯૨૫ના રોજ કાકોરીથી ચાલી હતી. આંદોલનકારીઓએ તે ટ્રેનને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. ટ્રેન જ્યારે લખનૌથી આશરે ૮ મીલ દૂર હતી તે સમયે તેમાં બેઠેલા ૩ ક્રાંતિકારીઓએ ગાડીને ઉભી રાખી હતી અને સરકારી ખજાનો લૂંટી લીધો હતો. આ માટે સ્વતંત્રતા સેનાનીઓએ જર્મન માઉજરનો ઉપયોગ કર્યો હતો અને અંગ્રેજોના સરકારી ખજાનામાંથી ૪,૦૦૦ રૂપિયા લૂંટી લીધા હતા. કાકોરી કાંડના આરોપમાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને રોશન સિંહને ફાંસી આપવામાં આવી હતી. શહીદ-એ-આઝમ ભગત સિંહે આ ઘટના અંગે વિસ્તારપૂર્વક લખ્યું હતું.

(8:34 pm IST)