Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રામલલ્લાના દર્શન માટે રસ્તામાં ઝરૂખો ખોલાશે

અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે વધુ એક સવલત : આગામી ૧ સપ્તાહમાં આ ઝરૂખો બનીને તૈયાર થઈ જશે અને શ્રદ્ધાળુઓ મંદિરના નિર્માણ કાર્યના દર્શન કરી શકશે

નવી દિલ્હી, તા.૯ : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના દર્શન હવે રામ ઝરૂખામાંથી પણ થઈ શકશે. શ્રદ્ધાળુઓ રામ ઝરૂખામાંથી મંદિરનું નિર્માણ જોઈ શકશે. શ્રદ્ધાળુઓ માટે રામલલ્લાના દર્શનના રસ્તામાં એક ઝરૂખો ખોલવામાં આવી રહ્યો છે જેથી દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ રામ મંદિર નિર્માણ પણ જોઈ શકશે. રામ મંદિર પરિસરની પશ્ચિમી દીવાલ પર ૨૦ ફૂટની પહોળાઈમાં ઝરૂખો ખોલવામાં આવશે. આગામી ૧ સપ્તાહમાં આ ઝરૂખો બનીને તૈયાર થઈ જશે અને શ્રદ્ધાળુઓ રામ મંદિરના નિર્માણ કાર્યના દર્શન કરી શકશે. તેને રામ ઝરૂખો એવું નામ આપવામાં આવ્યું છે. પહેલા દિવસે ઝરૂખાને આશરે ૫ ફૂટની પહોળાઈમાં ખોલવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ આ ઝરૂખો આશરે ૨૦ ફૂટની પહોળાઈમાં ખોલી દેવામાં આવશે.

દર્શન માર્ગ પર ક્રોસિંગ ૨ અને ૩ વચ્ચે તોડવામાં આવેલી દીવાલમાં લોખંડની મજબૂત જાળી લગાવવામાં આવી છે. ૫ ફૂટની પહોળાઈનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેને સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યું છે. તે સિવાય વધારાની ૧૫ ફૂટ ખાલી જગ્યામાં જાળી લગાવવાનું કામ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. એક વર્ષ પહેલા ૫ ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય મંદિરનો પાયો રાખ્યો હતો અને હાલ પાયાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

(7:44 pm IST)