Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

દિલ્હી-અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન દોડશે :૩ કલાકમાં મુસાફરી થશે પૂરી !

નવી દિલ્હી, તા., ૯: દિલ્હીથી અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ એલીવેડેટ બુલેટ ટ્રેન દોડાવાની યોજના છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા દિલ્હી-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરીડોરનું સર્વે કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ૮૮૬ કિલોમીટર લાંબા આ કોરીડોરની લંબાઇ રાજસ્થાનમાં ૬પ૮ કિલોમીટર લાંબી હશે. આ યોજનામાં રાજસ્થાનના ૭ જીલ્લાના ૩૩૭ ગામો પ્રભાવતી થશે. કોરીડોર બન્યા પછી દિલ્હીથી અમદાવાદનું અંતર માત્ર ૩.૩૦ કલાકમાં પુરૂ થશે. જેમાં દિલ્હીથી અમદાવાદ વચ્ચે ૧પ સ્ટેશન સુચવાયા છે.

રાજસ્થાનમાં આ કોરીડોર અલ્વરના શાહજહાંપુર બોર્ડરથી પ્રવેશશે જે રાષ્ટ્રીય રાજમાર્ગ ૪૮ના સમાંતર જયપુર, અજમેર, ભીલવાડા, ચિતૌડગઢ, ડુંગરપુર થઇ અમદાવાદ પુરો થશે.

પ્રોજેકટમાં પ્રદેશના ૩૩૭ ગામોની ૧૧પ૧ હેકટર જમીન પ્રભાવીત થશે. જેમાં ૭ર૯ હેકટર જમીન ખાનગી જયારે ૪૮૧ હેકટર જમીન સરકારી હશે. કોરીડોરની સૌથી વધુ લંબાઇ જયપુર ક્ષેત્રમાં ૧૯પ કિલોમીટર રહેશે. જયારે અજમેરમાં ૧૦૮ કિલોમીટર, ઉદેપુરમાં ૧ર૩ કિલોમીટર, ભીલવાડામાં ૮પ કિલોમીટર, ચિતૌડગઢમાં ૭૯, અલ્વરમાં ૩૪ અને ડુંગરપુરમાં ૩ર કિલોમીટર રહેશે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના જોઇન્ટ જનરલ મેનેજર એમ.એસ.રાઠોડે જણાવ્યું કે, આ પ્રોજેકટનું જમીન લેવલનું કાર્ય શરૂ થવામાં ૩ થી ૪ વર્ષ લાગશે. રૂટની કુલ લંબાઇ ૮૮૬ કિલોમીટર હશે જયારે ટ્રેનની વધુમાં વધુ સ્પીડ ૩પ૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. નાલાઓ અને પુલ ઉપરથી પસાર થતી સંરચનાની જમીનથી ઉંચાઇ ૧પ મીટર જયારે પહોળાઇ ૧૭.પ મીટર હશે. સર્વે શરૂ કરી દેવાયો છે અને જમીન એકત્રીકરણ માટે વાતચીત થઇ રહી છે. 

(1:22 pm IST)