Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોદી કામકાજમાં ઝડપ લાવવા માંગે છે

વડાપ્રધાને બધા મંત્રાલયો માટે નક્કી કર્યો ત્રણ વર્ષનો એજન્ડા

નવી દિલ્હી તા. ૯ : વડાપ્રધાન મોદીએ પોતાના બીજા કાર્યકાળના બાકીના સમય માટે બધા મંત્રાલયોના કામનો એજન્ડા નક્કી કરી દીધો છે. બધા મંત્રાલયો હવે આગામી ત્રણ વર્ષ સુધી વડાપ્રધાને નક્કી કરેલા એજન્ડા પર કામ કરશે.

આ અંગે મંત્રીમંડળની મેરેથોન બેઠક આ મહિને સ્વાતંત્ર્ય દિવસ પછી થશે. આ દરમિયાન વડાપ્રધાન ભાવિ એજન્ડા પર વિસ્તારથી ચર્ચા કરશે. મંત્રીમંડળની ત્રણ દિવસની બેઠક પહેલા મંગળવારે થવાની હતી પણ સ્વાતંત્ર્ય દિવસની તૈયારીઓના કારણે તેને પાછળ ઠેલી છે.

સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં વડાપ્રધાન વ્યકિતગત રીતે તપાસશે કે કેબીનેટ પ્રધાનોએ પોત પોતાના રાજ્ય પ્રધાનોને કયા પ્રકારે કાર્ય વિભાજન કર્યું છે. જરૂર પડયે જુનિયર પ્રધાનો અંગે કેબિનેટ પ્રધાનોને દિશા નિર્દેશ પણ આપશે. ઉલ્લેખનિય છે કે પ્રધાનમંડળના વિસ્તરણ પછી તરત જ વડાપ્રધાને કેબિનેટ પ્રધાનોને રાજ્ય પ્રધાનોને જવાબદારી સોંપવાનો નિર્દેશ કર્યો હતો. વડાપ્રધાન દર ત્રણ મહિને આ રીતે પ્રધાન મંડળની બેઠક બોલાવીને તેમના કામકાજની સમીક્ષા કરશે. તેઓ ઇચ્છે કે, મંત્રાલયમાં ગતિશીલતા જળવાઇ રહે અને જવાબદારીનું દબાણ પણ ચાલુ રહે. પીએમઓ સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન સરકારના કામકાજમાં ઝડપ લાવવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે મંત્રાલયના મહત્વપૂર્ણ કામને પ્રાથમિકતા મળે. આના માટે અલગ અલગ મંત્રાલયના મહત્વપૂર્ણ કામોની યાદી તૈયાર કરાઇ છે. યાદીમાં સીનીયોરીટીના આધારે કામ ને સ્થાન અપાયું છે.

(12:13 pm IST)