Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વોટની રાજનીતિ... સરકાર અને વિપક્ષનું 'હમ સાથ - સાથ હૈ' ગુજરાતના પાટીદાર સમાજને થશે લાભ

રાજ્ય સરકારોને OBC લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર

OBC અનામત બિલ લોકસભામાં પસાર : ૧૨૭માં સંશોધનને મંજુરી : બિલને મળ્યું વિપક્ષોનું સમર્થન

નવી દિલ્હી તા. ૯ : સંસદના મોનસુન સત્રનું અંતિમ સપ્તાહ છે. આ સપ્તાહની શરૂઆત આજે પણ ધમાકેદાર જ રહી. પ્રથમ કલાકમાં જ બંને ગૃહોની કાર્યવાહી બે-બે વાર સ્થગિત કરવી પડી. ૧૯ જુલાઇએ જે સત્ર શરૂ થયું હતું એ સંપૂર્ણ હોબાળામાં જ ગયું. વિપક્ષે સતત પેગાસસ જાસૂસી વિવાદ અને ખેડૂતોના મુદ્દા પર ચર્ચાની માંગ કરી છે પરંતુ ચર્ચા થઇ નથી. જેના લીધે અગાઉના સપ્તાહની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો અને શોરબકોર જોવા મળી. આ બધાની વચ્ચે સરકાર પણ અમુક બીલ ગૃહોમાંથી પાસ કરાવવામાં સફળ રહી છે.

કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોકટર વીરેન્દ્રકુમારે લોકસભામાં સંવિધાન ઓબીસી બીલ રજૂ કર્યું. ત્યારબાદ તે બીલ સર્વસંમતિથી પાસ થયું. વિપક્ષી પાર્ટીઓએ પણ આ બીલનું સમર્થન કર્યું છે. આ બીલ રાજ્ય સરકારોએ ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર આપશે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે તેના પર મ્હોર લગાવી હતી. આ સંશોધનની માંગ અનેક ક્ષેત્રીય દળોની સાથે સાથે સત્તાધારી પક્ષના ઓબીસી નેતાઓએ પણ કરી છે. આ બીલ રજુ થયા બાદ ગૃહની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી.

ઓબીસી બિલ ૧૨૭મું સંવિધાન સંશોધન બિલ છે. જેને આર્ટીકલ ૩૪૨એ(૩) હેઠળ લાગુ કરવામાં આવશે. તેનાથી રાજ્ય સરકારોને એ અધિકાર હશે કે તેઓ તેમના હિસાબથી ઓબીસી સમુદાયની લિસ્ટ તૈયાર કરી શકે.

આ બિલના કાયદા બનતાની સાથે જ રાજ્ય સરકારોને ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર મળશે. આ બિલના કાયદા બનવાનો ફાયદો તે રાજ્યોમાં તે પ્રભાવશાળી જાતિઓને હશે જે ઓબીસી અનામતમાં સામેલ થવાની માંગ કરી રહ્યા છે. જેમકે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસીમાં સામેલ થવાનો મોકો મળી શકે છે.

બે વાર સ્થગિત થયા બાદ લોકસભાની કાર્યવાહી એકવાર ફરી શરૂ કરવામાં આવી. વિપક્ષ સરકાર વિરૂધ્ધ હાય... હાય...ની નારેબાજી કરી રહ્યા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સમિતિ દાયિત્વ ભાગીદારી સંશોધન વિધેયક ૨૦૨૧ લોકસભામાં રજૂ કર્યું. થોડા સમયમાં બંને ગૃહમાંથી પસાર થયું.

સીમિત દાયિત્વ ભાગીદારી સંશોધન વિધેયક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિપોઝીટ ઇન્સ્યોરન્સ અને ક્રેડીટ ગેરેન્ટી કોર્પોરેશન વિધેયક ૨૦૨૧ લોકસભામાં રજૂ કર્યું. રાજ્યસભામાંથી પસાર થઇ ચૂકેલા આ બિલને લોકસભામાંથી પાસ કરી દેવામાં આવ્યું.  કેન્દ્રીય જનજાતીય કાર્યમંત્રી અર્જુન મુંડાએ સંવિધાન (અનુસૂચિત જનજાતિઓ) સંશોધન વિધેયક ૨૦૨૧ લોકસભામાં રજુ કરવામાં આવ્યું. બિલ રજુ કરીને અર્જુન મુંડાએ જણાવ્યું કે, આ ખૂબ જ મહત્વપૂર્ણ વિધેયક છે જેનાથી અરૂણાચલના એ ભાઇઓને ન્યાય મળશે જેને અનુસૂચિત જનજાતિઓને લાભ મળી રહ્યો નહોતો.

(3:23 pm IST)