Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પ્‍લાસ્‍ટિકના તિરંગાનો વપરાશ રોકો

કેન્‍દ્રનો રાજ્‍યોનો આદેશ

નવી દિલ્‍હી,તા.૯ : સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી અગાઉ કેન્‍દ્ર સરકારે રાજયોને લોકો પ્‍લાસ્‍ટિકના તિરંગાનો વપરાશ ન કરે એનું ધ્‍યાન રાખવાનો આદેશ આપ્‍યો છે.
આ પાછળનું કારણ એ છે કે નોન-બાયોડિગ્રેડેબલ વસ્‍તુઓને નષ્ટ કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે અને એ પર્યાવરણ માટે હાનિકારક પણ છે.
કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે બધાં જ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને મોકલાવેલા સંદેશમાં જણાવ્‍યું હતું કે રાષ્ટ્રધ્‍વજ દેશના લોકોની આશા અને આકાંક્ષાનું પ્રતીક છે અને માટે એને ગૌરવભર્યું સ્‍થાન મળવું જોઇએ.
રાષ્ટ્રધ્‍વજ માટે બધાના મનમાં આદર, સન્‍માન અને લાગણીની ભાવના હોય છે, પણ એવી બાબત ધ્‍યાનમાં આવી છે કે મોટેભાગે લોકો, સરકારી કે અન્‍ય સંસ્‍થાઓ રાષ્ટ્રધ્‍વજ ફરકાવવા બાબતના કાયદા અને નિયમોથી અજાણ હોય છે. એવી વાત ધ્‍યાનમાં આવી છે કે રાષ્ટ્રીય, સાંસ્‍કૃતિક અને રમતગમતના મહત્ત્વના કાર્યક્રમો વખતે કાગળને બદલે પ્‍લાસ્‍ટિકના રાષ્ટ્રધ્‍વજનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્‍લાસ્‍ટિકના ધ્‍વજ કાગળના ધ્‍વજની જેમ બાયોડિગ્રેડેબલ ન હોવાથી એ સરળતાથી નષ્ટ નથી થતા અને પરિણામે રાષ્ટ્રધ્‍વજનું આડકતરી રીતે અપમાન થતું હોય છે. આ કારણસર તમને વિનંતી કરવામાં આવે છે કે કોઇપણ પ્રકારના કાર્યક્રમો દરમિયાન ફ્‌લેગ કોડ ઓફ ઇન્‍ડિયા, ૨૦૦૨ પ્રમાણે લોકો ફક્‍ત કાગળના જ રાષ્ટ્રધ્‍વજ વાપરે અને આવા કાગળના રાષ્ટ્રધ્‍વજ રસ્‍તા પર કે ગમે ત્‍યાં ફેંકાવા ન જોઇએ એની તકેદારી રાખવી. આવા ધ્‍વજને યોગ્‍ય રીતે ખાનગીમાં ધ્‍વજનું અપમાન ન થાય એ રીતે નષ્ટ કરવા.

 

(10:11 am IST)