Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

GPSCની સ્ટેટ ટેકસ ઈન્સ્પેકટર કલાસ ૩ની પરીક્ષામાં માતાજી અંગે પ્રશ્નઃ વિવાદ

GPSCએ સ્ટેટ ટેકસ ઈન્સ્પેકટર કલાસ ૩ના ૨૪૩ ખાલી જગ્યા ભરવા માટે રવિવારે લેખિત પરીક્ષાનું આયોજન કર્યુ હતું: પ્રશ્નપત્રોમાં પૂછાયેલા બે સવાલોએ ભારે ચર્ચા જગાવી હતી : પરીક્ષામાં એક સવાલ હતો જેમાં ચાર માતાજી અને તેમના વાહનોના નામનાં જોડકા પૂછાયા હતા.: બીજા એક પ્રશ્નમાં દરિયામાં સહેલ કરતાં ખારવા અને માછીમારો કોને દરિયાઈ દેવી માને છે તેવો પ્રશ્ન હતો.

અમદાવાદ, તા.૯: GPSC દ્વારા રવિવારે (૮ ઓગસ્ટ) અમદાવાદ સહિત અન્ય પરીક્ષા કેંદ્રો પર ગુજરાત સ્ટેટ ટેકસ ઈન્સ્પેકટર કલાસ ૩ના લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયેલા બે પ્રશ્નોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી. GPSCએ ગુજરાત સ્ટેટ ઈન્સ્પેકટરની લેખિત પરીક્ષામાં જોડકા જોડો એવો પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં ૧થી૪ વિકલ્પમાં દેવીઓના નામ હતા જયારે તેમની સામે AથીDમાં તેમના વાહનોના ચાર વિકલ્પ હતા. જેમાં ૧. લક્ષ્મી માતા ૨. મેલડી માતા ૩. રાંગળી માતા અને ૪. વિહત માતા અને આ ચાર વિકલ્પની સામે વાહનોના નામમાં A. બકરો, B. ઘવુડ, C.વરુ અને D. કાચબો એમ જોડકા જોડવાના હતા. આમ, મેલડી માતા અને વિહત માતાનું વાહન કયું? એવો પ્રશ્ન પૂછાતા ભારે ચર્ચા જાગી હતી.

GPSCએ સ્ટેટ ટેકસ ઈન્સ્પેકટર કલાસ ૩ના ૨૪૩ ખાલી જગ્યા ભરવા માટે આજે લેખિત પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં હજારો ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. ૧૨૦ મિનિટની સમય મર્યાદામાં ૨૦૦ માકર્સની પરીક્ષા લેવાઈ હતી. ૨૦૦ સવાલના ૨૦૦ માકર્સ હતા. ૮ ઓગસ્ટે યોજાયેલી આ પરીક્ષામાં બે સવાલ પૂછાયા હતા જે માતાજી અંગે હતા. પ્રશ્નપત્રમાં ૧૦ નંબરના પેજ પર ૪૩નો પ્રશ્ન હતો જેમાં પૂછાયું હતું કે, દરિયા માથે સહેલ કરનારા ખારવા અને વેપારીઓ ————— (ખાલી જગ્યાને) દરિયાઈ દેવી માને છે? ચાર વિકલ્પમાં A.રાંદેલ માતા, B.વિધાત્રી માતા, C.શિકોતરી માતા અને D.મેલડી માતા.

આ ઉપરાંત ૪૪ નંબરના પ્રશ્નમાં ચાર માતાજી અને તેમના વાહનોના નામનું જોડકું પૂછાયું હતું. સ્થાનિક અખબાર નવગુજરાત સમયના અહેવાલ મુજબ, પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવાર અપૂર્વ અમીને કહ્યું, આજની પરીક્ષામાં પ્રશ્નપત્ર સરળ હતું. આ પ્રશ્નપત્રમાં સંસ્કૃતિ ભાગમાં બે સવાલ માતાજીના સંદર્ભમાં પૂછાયા હતા. આ પ્રકારના સવાલ પહેલીવાર પૂછાયા હોવાનું લાગે છે. રાજયની સાંસ્કૃતિ અને સામાજિક ઓળખના સંદર્ભમાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે. જોકે, પ્રશ્નના સંદર્ભે અન્ય કોઈ ટીકા-ટિપ્પણી કરવી યોગ્ય નથી.

GPSC દ્વારા લેવાયેલી ગુજરાત સ્ટેટ ઈન્સ્પેકટરની ભરતી માટેનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ વિશાલ દંતાણીએ પેપરનું કટિંગ મૂકીને સવાલ કર્યો હતો કે, આજની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો, પેપર સેટરના આવા પ્રશ્નો પાછળનો તર્ક શું છે?

(9:50 am IST)