Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

આરોપીઓ પર યાતના ન ગુજારી શકાય

માનવાધિકાર ભંગની સૌથી વધુ ઘટના પોલીસ કસ્ટડીમાં થાય છે

દેશના પોલીસ અધિકારીઓને વધુ સંવેદનશીલ બનાવવાની જરૂરીયાત : મુખ્ય ન્યાયાધીશ

નવી દિલ્હી તા. ૯ : કસ્ટડીમાં આરોપી પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાકના મોત પણ નિપજયા છે. એવામાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ કહ્યું છે કે કસ્ટડીમાં આરોપી પર અત્યાચાર હજુ પણ થાય છે. એવામાં દેશના પોલીસ અધિકારીઓએ આ મામલે સંવેદનશીલ થવાની જરૂર છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે હજુ પણ આમ નાગરિકો અને ન્યાય વચ્ચે જે અંતર છે તેને દુર કરવાની જરૂર છે.

દેશમાં ઘણા લાંબા સમયથી એક ચોક્કસ નબળો વર્ગ હજુ પણ ન્યાય પ્રણાલીથી બહાર રહ્યો છે. એવામાં એક સંસ્થાના રૂપે ન્યાયપાલિકા નાગરિકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માગતી હોય તો આપણે દરેકે તેમને વિશ્વાસ અપાવવો પડશે કે અમે તમારા માટે હાજર છીએ. સાથે જ તેમણે દેશમાં પોલીસના આરોપીઓ પ્રત્યેના વલણને લઇને પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે કસ્ટડીમાં અત્યાચાર અને પોલીસ દ્વારા થતો અન્ય અત્યાચાર હજુ પણ દેશમાં જારી છે. વિશેષધિકાર પ્રાપ્ત લોકોને પણ થર્ડ ડિગ્રીની યાતનાઓ આપવામાં આવી રહી છે જે યોગ્ય નથી. આ પરિસ્થિતિને બદલવા માટે દેશના પોલીસ અધિકારીઓએ વધુ સંવેદનશીલ બનવું પડશે અને કસ્ટડીમાં થતો અત્યાચાર અટકાવવો પડશે.

(9:49 am IST)