Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વીજળી સંશોધન બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે તો ૧૫ લાખ વીજળી કર્મચારીઓ હડતાલ પર ઉતરશે

જો સંસદીય સ્થાયી સમિતિને વાંધા ઉઠાવવાની તક આપ્યા વગર સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવે તો તે મુખ્ય હિસ્સેદારોઃ ગ્રાહકો અને વીજ કર્મચારીઓ માટે અન્યાય થશે

નવી દિલ્હી, તા.૯: કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રમાં વીજળી સંશોધન બિલ ૨૦૨૧ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને કહ્યું કે, આના વિરોધમાં પાવર સેકટરના કર્મચારીઓએ ૧૦ ઓગસ્ટના રોજ હડતાલ પર જવાની ધમકી આપી છે. ફેડરેશને દાવો કર્યો હતો કે ૧૦ ઓગસ્ટના રોજ વીજ વિભાગના ૧૫ લાખ કર્મચારીઓ કેન્દ્ર સરકારના આ પગલા સામે દેશભરમાં હડતાલ પર ઉતરશે.

ફેડરેશનના પ્રમુખ શૈલેન્દ્ર દુબેએ રવિવારે કહ્યું કે જો સોમવારે બિલ રજૂ કરવામાં આવશે તો અમે હડતાલ પર જઈશું. ફેડરેશને માંગ કરી છે કે ઉતાવળમાં બિલ પસાર કરવાને બદલે તેને સંસદની સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે. ફેડરેશને વિવિધ રાજકીય પક્ષોની સંસદને આ જનવિરોધી બિલનો વિરોધ કરવા અનુરોધ કર્યો છે.

દુબેએ કહ્યું કે જો સંસદીય સ્થાયી સમિતિને વાંધા ઉઠાવવાની તક આપ્યા વગર સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવે તો તે મુખ્ય હિસ્સેદારો, ગ્રાહકો અને વીજ કર્મચારીઓ માટે અન્યાય થશે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઇલેકિટ્રસિટી એમ્પ્લોઇઝ એન્ડ એન્જિનિયર્સ (NCCOEEE) એ તેને પ્રજા વિરોધી ગણાવ્યો છે.

ફેડરેશને કહ્યું કે કેરળ વિધાનસભાએ સંપૂર્ણ સંમતિથી બિલનો વિરોધ કર્યો છે. બિહાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓએ આનો વિરોધ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્રો લખ્યા છે. તેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ ઝારખંડ, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી જેવા રાજયોએ સમયાંતરે જાહેર મંચ પર બિલનો વિરોધ કર્યો છે.

(9:48 am IST)