Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રામ મંદિરના ૧૫ મીટરના પાયા ૪૪ લેયરથી ભરાશેઃ શ્રીરામ યુનિવર્સિટી સ્થપાશે

એપ્રીલથી પાયા ભરવાનું શરૂ થશેઃ ફરી એકવાર પાયાનું ટેસ્ટીંગ કરાશેઃ ખોદકામ અંતિમ તબક્કામાં : રામ, રામાયણ, રામ સંસ્કૃતિ અને તમામ હિન્દુ ધાર્મિક ગ્રંથોના અધ્યયન અને શોધનું કેન્દ્ર બનશે યુનિવર્સિટી

અયોધ્યાઃ રામલલા મંદિરના પાયાનું ખોદકામ ઝડપથી થઇ રહયું છે. સંભવત આ મહિનાના અંત સુધીમાં કામ પુરૂ થઇ જશે. ત્યારબાદ એપ્રેલથી પાયા ભરવાનું શરૂ થશે. લગભગ ૧૫ મીટર ઊંડા પાયામાં કુલ ૪૪ લેયર (સ્તર) ભરાશે. ટ્રસ્ટના ખાતામાં નિધી સર્મપણ અભિયાન દ્વારા ૨૫૦૦ કરોડ રૂપીયા જમા થઇ ચૂકયા છે.

ભગવાન રામનું મંદિર પ એકરમાં નિર્મિત થનાર છે. મંદિરનું આખુ પરિસર અત્યાર સુધીમાં ૭૦ એકરમાં સિમિત હતુ પણ હવે તેને વિસ્તારી ૧૦૭ એકર કરાશે. ટ્રસ્ટ દ્વારા દરેક નાની-નાની બાબતોનું પણ પુરતુ ધ્યાન અપાય રહયુ છે. જેથી કોઇ ત્રુટી ન રહે.

પાયા ભરવાનું ૧ એપ્રીલથી શરૂ થશે. જેના માટે એન્જીનિયર્ડ ફિલ્ડ મટીરીયલનો પ્રયોગ થશે. જેને પથ્થરની સાથે સીમેન્ટ, મોરંગ અને માઇક્રો સીલીકા સહિત અન્ય પદાર્થ દ્વારા તૈયાર કરાશે. ેએક-એક લેયરને જમીન સુધી લેવાશે. ત્યારબાદ ઉપરના ભાગનું કાર્ય શરૂ થશે. પાયાની ડીઝાઇન અને તેને ભરવાની બ્લુ પ્રીન્ટ તૈયાર છે. પાયાને ભરવાનું પારંપરીક પધ્ધતિથી જ કરાશે.પાયાનું ખોદકામ પુરૂ થયા બાદ ફરીથી માટીના ભારણની ક્ષમતા આંકવામાં આવશે. ખોદકામ પહેલા પણ આવું કરાયેલ. જેના આધારે જ પાયાની ઊંડાઇ નક્કી કરાયેલ. આ વખતે આ કામ પાયાના નીચેના સ્તરે માપવામાં આવશે.

રામમંદિરની સાથે નવી અયોધ્યા વસાવામાં આવી રહી છે. જયાં આંતરરાષ્ટ્રીય પર્યટકો - શ્રધ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા હશે. હવે યુપી સરકાર પ્રભુ રામમાં ઊંડી રૂચી રાખનાર લોકો માટે યુનિવર્સિટી ખોલવા જઇ રહી છે. જે રામ, રામાયણ, રામ સંસ્કૃતિ અને તમામ હિન્દુ ધાર્મિક ગ્રંથોના અધ્યયન અને શોધનું મોટુ કેન્દ્ર બનશે. આ યુનિવર્સિટીનું નામ શ્રીરામ યુનિવર્સિટી રખાશે. પ્રોજેકટ માટે ટેન્ડર બહાર પડયા છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી ડો.દિનેશ શર્માએ માહિતી આપી હતી.

(2:57 pm IST)