Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઓશો ટ્રસ્ટે પૂણેમાં બે પ્લોટ વેચવાની પ્રક્રિયા કરી શરૂ

મહામારીના કારણે નાણાંભીડનું જણાવ્યું કારણઃ ઓશોના બે શિષ્યોએ વાંધો ઉઠાવ્યો

પૂણે તા. ૯: કોવિદ મહામારીના કારણે નાણાંભીડને ધ્યાનમાં રાખીને ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (ઓઆઇએફ) મહારાષ્ટ્રમાં ઓશો ઇન્ટરનેશનલ મેડીટેશન રિસોર્ટ ખાતેના બે પ્લોટ ૧૦૭ કરોડ રૂપિયામાં વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. જો કે આ પ્રક્રિયા સામે ઓશો (ભગવાન રજનીશ)ના બે શિષ્યોએ વાંધો ઉઠાવીને તેને રોકવા માટે ચેરીટી કમિશ્નર સમક્ષ રજી કરી હોવાનું ઓશો પ્રેમી યોગેશ ઠકકરે જણાવ્યું છે.

ઝુરીચ ખાતેના ઓઆઇએફ જે ઓશો ઇન્ટરનેશનલ મેડીટેશન રીસોર્ટ અથવા ઓશો આશ્રમની માલિકી ધરાવે છે તેણે અહિંના પોશ વિસ્તાર કોરેગાંવ પાર્ક ખાતેના બે પ્લોટ (આશરે ૯૮૩૬ ચોરસ મીટર) ૧૦૭ કરોડમાં રાજીવ નયન બજાજ અને ઋષભ ફેમીલી ટ્રસ્ટને વેચવા માટે ચેરીટી કમિશ્નર પાસે પરવાનગી માંગી છે.

આચાર્ય રજનીશ દ્વારા શરૂ કરાયેલ આ કોમ્યુનમાં અત્યારે મેડીટેશનની બધી કામગીરી બંધ કરી દેવાઇ છે. કોરોના મહામારીના કારણે કોમ્યુન સાવ બંધ છે. ઓઆઇએફે કરેલી અરજીમાં કહેવાયું છે કે ભારતની તથા વિશ્વની વર્તમાન સ્થિતિ અને કોવીદ-૧૯ ની ચાલુ અસરની અસર અંગેની અચોક્કસતાના કારણે નજીકના ભવિષ્યમાં કામગીરી શરૂ કરવી શકય નથી. આના લીધે ટ્રસ્ટના નાણાં પ્રવાહને ગંભીર અસર પહોંચી છે જેના લીધે પોતાની નાણાંકીય જરૂરીયાતોને પુરી કરવા માટે નાણાં ઉભા કરવાની જરૂર છે. અરજીમાં એમ પણ કહેવાયું છે. કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં અરજદાર ટ્રસ્ટ પાસે છેલ્લા ઘણાં સમયથી કોઇ આવક નથી અને ટ્રસ્ટની સંપતિની જાળવણી પાછળ ખર્ચ ઘણો થાય છે.

આ બધી નાણાંભીડને ધ્યાનમાં લેતા ટ્રસ્ટ પાસે પોતાની આ સંપતિ વેચવા સિવાય બીજો કોઇ રસ્તો નથી રહ્યો.

(2:56 pm IST)