Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સરકારી મહેમાન

માહિતી અધિકારના હથિયારનો સૌથી વધારે ઉપયોગ સરકારના ચાર વિભાગોમાં થાય છે

સરકારનો વેપાર : પેટ્રોલ અને ડીઝલનો વેટ ચૂકવી વાહનચાલકો મહિને ૧૦૦૦ કરોડ ગુમાવે છે : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં જંગલી પ્રાણી સિંહ અને દિપડાના મોતનો આંકડો ૧૫૦૦ થયો છે : લોકોના પાણી જોડાણ કપાય પણ ઉદ્યોગોને લીલાલહેર : ૧૧૪ એકમોના ૩૩૦૦ કરોડ બીલો બાકી

ગુજરાતમાં રાઇટ ટુ ઇન્‍ફર્મેશન એટલે કે આરટીઆઇનો સૌથી વધુ ઉપયોગ સરકારના ચાર વિભાગો સામે થાય છે. એક વર્ષના આંકડા જોતાં શહેરી વિકાસ, કૃષિ-સહકાર, ગૃહ અને મહેસૂલ વિભાગમાં ઢગલાબંધ ફરિયાદો ખડકાઇ છે. સૌથી વધુ ૪૦,૦૦૦ જેટલસી અરજીઓ શહેરી વિકાસ વિભાગમાં થયેલી છે. બાકીના ત્રણ ક્રમમમાં ૩૯,૦૦૦ સાથે કૃષિ-સહકાર, ૩૦,૦૦૦ સાથે ગૃહ અને ૧૫,૦૦૦ મહેસૂલ વિભાગ આવે છે. એક વર્ષમાં આ ચાર વિભાગોમાં સવા લાખ જેટલી અરજીઓ થઇ છે જયારે બાકીના વિભાગોમાં માત્ર ૨૫૦૦૦ જેટલી અરજીઓ થયેલી છે. આરટીઆઇ એક્‍ટિવિસ્‍ટોના નિશાના પર આ ચાર વિભાગો છે કે જયાં ૮૦.૮૦ ટકા જેટલી અરજીઓ થાય છે. ગુજરાત માહિતી આયોગના છેલ્લા રિપોર્ટમાં આ આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્‍યા છે. આ કાયદો ૨૦૦૫માં યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવ્‍યો હતો પરંતુ સરકારના વિભાગોની પોલ ખોલતા આ કાયદાના કારણે રાજય સરકારોએ આ કાયદા પર કેટલાક નિયંત્રણો મૂક્‍યાં છે, પરિણામે અપીલના કેસોની સંખ્‍યા વધી રહી છે. ચોંકાવનારી બાબત એવી છે કે છેલ્લા એક વર્ષમાં અરજીઓની સંખ્‍યામાં ૩૩૦૦૦દ્ગટ વધારો થયો છે. બીજી તરફ માગેલી માહિતી નહીં આપતાં રાજયના વિવિધ વિભાગો અને સરકારી કચેરીઓના ૧૨૬ ઓફિસરો દંડાયા છે અને તેમના પગારમાંથી ૧૦ લાખ રૂપિયા કાપી લેવામાં આવ્‍યા છે. જો કે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્‍યું છે કે એક વર્ષમાં આયોગને મળેલી અપીલના પ્રમાણમાં ૨૧.૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષમાં ૧૦૪૬૨ અપીલ હતી જે રિપોર્ટના વર્ષમાં ઘટીને ૮૧૭૬ થઇ છે.

 દર મહિને ૧૦૦૦ કરોડ રૂપિયા ટેક્‍સમાં જાય છે

ગુજરાત સરકાર અને નાણામંત્રી નીતિન પટેલ એવું કહે છે કે સમગ્ર દેશમાં ગુજરાત રાજય એવું છે કે જયાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી ઓછો વેલ્‍યુ એડેડ ટેક્‍સ (વેટ) છે તેથી આ ટેક્‍સ ઓછો કરવાની જરૂર નથી, પરંતુ જે ટેક્‍સ લાગુ કરવામાં આવેલો છે તેની આવક જોતાં સામાન્‍ય નાગરિકની આંખો પહોંળી થઇ જાય તેમ છે. રાજય સરકારે વાહનચાલકો પાસેથી છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ પેટે ૩૮૦૩.૪૧ કરોડ રૂપિયા અને ડીઝલ પેટે ૮૨૯૫.૦૨ કરોડ રૂપિયા એટલે કે આ બન્ને પ્રોડક્‍ટ્‍સમાં કુલ ૧૨૦૯૮ કરોડ રૂપિયા મળ્‍યાં છે. સરકાર દર મહિને પેટ્રોલમાં ૩૫૦ કરોડ રૂપિયા અને ડીઝલમાં ૭૦૦ થી ૮૦૦ કરોડ રૂપિયા કમાઇ રહી છે. રાજય સરકારને ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સની આવક ઉપરાંત વેટની આવકમાં ખૂબ મોટો ફાયદો થઇ રહ્યો છે તેથી પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં લઇ જવા રાજય સરકારો ઇન્‍કાર કરી રહી છે. ચોંકાવનારી બાબત એવી છે કે એક્‍સાઇઝ ડ્‍યુટી અને વેટના કારણે લોકો વાહનોમાં ઇંધણ તરીકે પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યાં છે તેમાં ૬૦ ટકા રકમ તો સરકારની તિજોરીમાં જમા થાય છે.

એસ્‍સારને પાંચ વર્ષમાં ૬૦૦૦ કરોડ ચૂકવ્‍યા...

ગુજરાતમાં એસ્‍સાર કંપનીનો મોટાભાગનો કારોબાર આર્સેલર મિત્તલે હસ્‍તગત કર્યો છે તેમ છતાં એસ્‍સાર ગ્રુપ પાસે પાવર અને પોર્ટનો બિઝનેસ છે. ગુજરાતની ત્રણ કંપનીઓ એસ્‍સાર, અદાણી અને તાતા પાવર પાસેથી સરકાર વીજળીની મોટાપાયે ખરીદી કરતી હોય છે. આ ત્રણેય કંપનીઓ સાથે ૨૫ વર્ષના વીજ ખરીદ કરાર કરવામાં આવેલા છે. આ ત્રણ કંપનીઓ પૈકી ઉર્જા વિભાગના સત્તાવાર અહેવાલ પ્રમાણે એસ્‍સાર પાવર સાથે ૨૫ વર્ષ માટે થયેલા વીજ ખરીદ કરાર અન્‍વયે સરકારની વીજ કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષમાં ૧૭૪૯૨ મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી છે. આ વીજળી પ્રતિ યુનિટના ૩.૩૫ રૂપિયા થી ૩.૬૦ રૂપિયાના ભાવે ખરીદવામાં આવી છે. આ વીજ ખરીદી પેટે સરકારના ઉર્જા વિભાગે એસ્‍સાર કંપનીને પાંચ વર્ષમાં ૬૦૮૧ કરોડ રૂપિયા કમાવી આપ્‍યાં છે. આ કરારમાં ‘ચેન્‍જ ઓફ લો'ની પણ જોગવાઇ કરવામાં આવી છે, એટલે કે જે તે સમયે લાગુ પડતા નવા પરિબળો જેવાં કે ટેક્‍સ, ક્‍લીન એનર્જી સેસ, કસ્‍ટમ ડ્‍યુટી, જીએસટી અંગે વીજ નિયમન આયોગની મંજૂરી લેવામાં આવે છે તેથી યુનિટ દરમાં ફેરફારો થતાં હોય છે.

ઉદ્યોગો પાણી વાપરે છે, દર ચૂકવતા નથી

ગુજરાતમાં સામાન્‍ય નાગરિક પાણીનું બીલ વિલંબથી ભરે તો તેને પેનલ્‍ટી લાગે છે પરંતુ ઉદ્યોગો જે પાણી વાપરે છે તેના દરો નિયમિત ચૂકવતાં નથી તેમ છતાં તેની સામે આકરા પગલાં લેવામાં આવતા નથી. રાજયના જળસંપત્તિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ૧૭ જિલ્લાના માત્ર ૧૧૪ ઉદ્યોગોના પાણી બીલોની બાકી રકમ ૩૩૪૯ કરોડ રૂપિયા થવા જાય છે. આ રકમ પૈકી ૧૩૫૧ કરોડ રૂપિયા તો છેલ્લા પાંચ વર્ષથી આ ઉદ્યોગોએ ભર્યાં નથી. સરકારી વિભાગ ઉદ્યોગોને માત્ર નોટીસ આપે છે અથવા તો જમીન-મિકલત પર બોજો દાખલ કરે છે પરંતુ બીજી કડક કાર્યવાહી થતી નથી. પાણી ચોરી કરતાં સૌથી વધુ ઉદ્યોગો સુરત, ભરૂચ અને વલસાડમાં જોવા મળ્‍યાં છે. આ ઔદ્યોગિક એકમો જળાશય, નદી, નહેરો, સિંચાઇ યોજના અને બંધના પાણી વાપરી રહ્યાં છે. સરકારે ઇન્‍ડસ્‍ટ્રીયલ વોટરના દરો નિયત કરેલા છે પરંતુ જો કોઇ એકમ પાણીના દર ચૂકવે નહીં તો તેની પાસેથી પેનલ્‍ટી અને વ્‍યાજ વસૂલ કરવામાં આવતું હોય છે. આ ઉદ્યોગોના જેટલા દર પેન્‍ડીંગ છે તેમાં પેનલ્‍ટી અને વ્‍યાજની રકમનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.

પાંચ વર્ષમાં ૧૪૪૯ સિંહ અને દિપડાના મોત

ગુજરાતના જંગલોમાં પ્રાણીઓ જન્‍મે છે અને મૃત્‍યુ પણ પામે છે. બે પ્રાણીઓ એવાં છે કે જેના જન્‍મ અને મૃત્‍યુના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે. રાજયના વન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં સાસણ ગીરમાં ૩૫૦ જેટલા સિંહ અને ૨૪૮ જેટલા સિંહબાળના મોત થયાં છે. આંકડો વિકરાળ છે પરંતુ તેમાં કુદરતી મોતની સંખ્‍યા વધારે છે. આ સમયમાં માત્ર ૩૬ સિંહ અને ૨૧ બાળસિંહના મોત અકુદરતી એટલે કે માનવીય કૃત્‍યના કારણે થયાં છે. રાજયમાં સિંહ અને માનવી વચ્‍ચે ઘર્ષણ થતું નથી પરંતુ વસતી વધતાં દિપડાના માનવી પર હુમલાના કિસ્‍સા વધી રહ્યાં છે. પાંચ વર્ષમાં દિપડાના હુમલાના ૮૦૦ જેટલા બનાવો રાજયભરમાં બન્‍યાં છે. રાજય સરકારે દિપડાના ખસીકરણ માટે કેન્‍દ્ર સરકાર પાસે મંજૂરી માગી છે પરંતુ હજી સુધી મંજૂરી મળી નથી. રાજયમાં પાંચ વર્ષમાં ૬૩૨ દિપડા અને ૨૧૯ બાળ દિપડાના મોત થયાં છે જે પૈકી ઘર્ષણના બનાવો બનતાં ૧૮૩ દિપડાના અકુદરતી મોત થયાં છે. વન વિભાગના આંકડા પ્રમાણે રાજયમાં અત્‍યારે સિંહોની વસતી ૬૭૪ છે અને દિપડાની વસતી ૩૨૦૦ થઇ છે. પાંચ વર્ષમાં કુલ ૧૪૪૯ આ બન્ને હિંસક પ્રાણીઓ મૃત્‍યુના કારણે ઘટી ગયા છે.

જીએમડીસીએ નૈનીકોલ કંપની બંધ કરી

ગુજરાત ખનીજ વિકાસ નિગમ (જીએમડીસી) અને પોન્‍ડીચેરી ઇન્‍ડસ્‍ટ્રીયલ પ્રમોશન ડેપલપમેન્‍ટ એન્‍ડ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કોર્પોરેશન વચ્‍ચે નૈની કોલ બ્‍લોકની ફાળવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે રાજય સરકારના આ સાહસે કોલ બ્‍લોક વિકસાવવા નૈની કોલ કંપની લિમિટેડની સંયુક્‍ત સાહસ કંપની તરીકે સ્‍થાપિત કરી હતી. જો કે ઓરિસ્‍સા સરકાર દ્વારા પીએલ મંજૂરી નહીં મળતાં પ્રોજેક્‍ટનો વિકાસ થંભી ગયો હતો. સર્વોચ્‍ચ અદાલતે જે કોલ બ્‍લોક રદ્દ કર્યા હતા તેમાં ગુજરાતની નૈની કોલ બ્‍લોક કંપનીનો પણ સમાવેશ થઇ જાય છે. આ સ્‍થિતિના કારણે ભારત સરકારના કોલસા મંત્રાલયે આખરે આ કોલ બ્‍લોકની ફાળવણી રદ્દ કરી હતી. ગુજરાત સરકારના આ સાહસે આ કંપની માટે ૫૦ ટકાની બેન્‍ક ગેરંટી પણ આપી હતી પરંતુ હવે તે પાછી લેવાની થાય છે, કારણ કે નૈની કોલ કંપનીનું બાળમરણ થતાં કંપનીને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(11:53 am IST)